Surat,તા.૮
સુરત એપીએમસીમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ લસણ જપ્ત કરાયું છે. ૧૦ લાખ રૂપિયાની કિંમતનું ૨૧૫૦ કિલો ચાઈનીઝ લસણ જપ્ત કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તમને જણાવી દઈએ કે દેશમાં ચાઈનીઝ લસણના વેચાણ પર પ્રતિબંધ છે. ત્યારે સુરત એપીએમસીએ ૨૧૫૦ કિલો ચાઈનીઝ લસણનો નાશ કર્યો છે.૨૦૧૪થી ચાઈનીઝ લસણના વેચાણ પર પ્રતિબંધ છે. ચાઈનીઝ લસણનું કદ નાનું, રંગ આછો સફેદ અથવા આછો પિંક કલર હોય છે. ત્યારે સુરત એપીએમસીએ ૨૧૫૦ કિલો ચાઈનીઝ લસણનો નાશ કરી દીધો છે.
સુરત એપીએમસીમાં વેચાણ અર્થે મૂકવામાં આવેલા લસણ પર એપીએમસીના સ્ટાફને શંકા જતાં તેમણે તાત્કાલિક ક્રોસ વેરિફિકેશન કર્યું હતું. આ પછી આ ચાઈનીઝ લસણ હોવાની માહિતી મળતા જ લસણની ૪૩ ગુણી જપ્ત કરી લેવામાં આવી હતી. આ જપ્ત કરાયેલા લસણની અંદાજિત કિંમત રૂપિયા ૧૦ લાખ હોવાની માહિતી મળી છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પણ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી ચાઈનીઝ લસણ મળી આવ્યું હતું અને ત્યારે પણ ચાઇનીઝ લસણનો મુદ્દો ઘણો ઉછાળ્યો હતો.
ચાઈનીઝ લસણ આરોગ્ય માટે ખુબ જ હાનિકારક છે. આ લસણ કેટલું જોખમી છે તેની વાત કરીએ તો, .આપણા સામાન્ય લસણ જેવું જ દેખાતું આ ચાઈનીઝ લસણ આરોગવાથી કેન્સર થાય છે. ખાવા માટે બિન આરોગ્યપ્રદ આ લસણ પર ભારતમાં ૨૦૦૬માં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ચાઈનીઝ લસણમાં ફૂગની સંભાવના વધુ હોય છે. ચાઈનીઝ લસણમાં જંતુનાશકોનું પ્રમાણ પણ વધુ હોય છે. અગાઉ નેપાળ અને બાંગ્લાદેશ થઈને ચાઈનીઝ લસણ આવતું હતુ. બિહાર, ઉત્તર પ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યોમાં પણ આવી ઘટના સામે આવી છે. ભારતીય લસણ કરતા ચાઈનીઝ લસણ સસ્તુ હોય છે.
તમારા રસોડામાં એકવાર લસણ જઈને ચેક કરો. તમારા રસોડામાં ક્યાંક નકલી લસણ તો નથીને? માર્કેટમાં બેરોકટોક ચાઈનીઝ લસણ આવી ગયું છે. લસણના ફોતરા ઉખાડશો તો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. લોકો હવે શું ખાય બધીજ જગ્યાએ નકલીનો સામ્રાજ્ય ફરી વળ્યું છે. આજના યુગમાં શુદ્ધ ખોરાક પણ શંકાના દાયરામાં છે. હવે તો કોઈ પણ વસ્તુ ખાતા પહેલાં ડર લાગી રહ્યો છે. હવે તો લોકોની થાળી સુધી નકલી ઝેર પહોંચી ગયું છે. ભારતમાં ઉગતા લસણનો ભાવ ૩૦૦થી લઈને ૩૫૦ રૂપિયા પ્રતિ કિલો છે. આટલા ભાવ બાદ પણ જનતાને નકલી લસણ મળી રહ્યું છે. જ્યારે કે, ચાઈનીઝ લસણનો ભાવ ૮૦થી ૧૦૦ રૂપિયા છે.