New Delhi, તા.13
ખતરનાક ઝેર રાઇસિનનો ઉપયોગ કરીને મોટી સંખ્યામાં લોકોને મારવાના આતંકવાદી કાવતરાને નિષ્ફળ બનાવ્યા બાદ, ગુજરાત ATS ટીમે મુખ્ય આરોપી ડો.સૈયદની ધરપકડ કરી છે. સૈયદના હૈદરાબાદ સ્થિત નિવાસસ્થાનમાંથી શંકાસ્પદ રાઇસિન ઝેર મળી આવ્યું હતું.
પોલીસે તેને ફોરેન્સિક તપાસ માટે FSLમાં મોકલી આપ્યું છે. ATSએ ઉત્તર પ્રદેશમાં બે આરોપીઓના ઘરની પણ તપાસ કરી હતી પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.
ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડીના અધિકારીઓની એક ટીમે આ આતંકી ષડયંત્રના માસ્ટરમાઇન્ડ ડો.મોહિયુદ્દીન સૈયદના હૈદરાબાદ સ્થિત રાજેન્દ્ર નગરમાં સ્કોડા શોરૂમની સામે સ્ટ્રીટ નંબર 9 ફોર્ટવ્યુ કોલોનીના ઘરે તપાસ કરી હતી. તેના ઘરમાંથી શંકાસ્પદ રાઇસિન ઝેર અને તેને તૈયાર કરવા માટે વપરાતો કાચો માલ મળી આવ્યો હતો. પોલીસે નમૂનાઓ વિશ્લેષણ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલ્યા છે.
ATSની બે ટીમે લખીમપુર ખીરી તેમજ કૈરાના બે અન્ય આરોપી 23 વર્ષીય મોહમ્મદ સુહેલ અને 20 વર્ષીય આઝાદ શેખના ઘરોની પણ તપાસ કરી હતી પરંતુ કંઈ શંકાસ્પદ મળ્યું ન હતું. સુહેલ અને સુલેમાને જ રાજસ્થાનના ગંગાનગરથી પિસ્તોલ અને કારતૂસ લાવીને ડો. સૈયદને ગાંધીનગરમાં આપી હતી. ત્યાંથી હથિયાર લાવ્યા પછી બંને શખ્સોએ પહેલા તેમને છત્રાલ વિસ્તારમાં છુપાવી દીધા હતા.
રવિવારે ગાંધીનગરના અડાલજમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા ત્રણ શંકાસ્પદ IKSP આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેમની પાસેથી બે પિસ્તોલ અને 30 જીવંત કારતૂસ તેમજ રસિન ઝેર બનાવવા માટે વપરાતું એરંડાનું તેલ જપ્ત કર્યું હતું.
ડો. સૈયદ પોતાનો તબીબી અભ્યાસ પૂર્ણ કર્યા પછી ચીનથી પાછો ફર્યો અને કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત થઈને, ઇસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંત (IKSP)ના પાકિસ્તાની હેન્ડલર અબુ ખાદીજાના સંપર્કમાં આવ્યો. તેણે હૈદરાબાદમાં એક હોટલ ખોલી અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થયો. તે પહેલાં ક્યારેય આઝાદ શેખ અને સુલેમાનને મળ્યો ન હતો, પરંતુ પાકિસ્તાનમાં રહેતો હેન્ડલર ટેલિગ્રામ દ્વારા ત્રણેયને ટાસ્ક આપતો હતો.
ગુજરાત એટીએસ તેમને મદદ કરનારા અને નાણાકીય સહાય પૂરી પાડનારાઓની પણ તપાસ કરી રહી છે. ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓ સામે ભારતીય દંડ સંહિતા, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ અને શસ્ત્ર અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આતંકવાદીઓ 17 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં છે.

