Ahmedabad, તા.29
દેશભરમાં આવેલ જુદા જુદા રાજ્યના બાર કાઉન્સિલની ચૂંટણી માટે સુપ્રીમ કોર્ટમાં મામલો ચાલ્યો હતો. જે બાદ હવે ગુજરાત બાર કાઉન્સિલની બેઠક મળી હતી. જેમાં 31 જાન્યુઆરી પહેલા ચૂંટણી કરવા તૈયારીઓ કરવામાં આવી રહ્યાની ચર્ચા છે.
ગુજરાત બાર કાઉન્સિલની એક્સ્ટ્રા ઓર્ડિનરી બોર્ડ અસાધારણ બોર્ડ બેઠક રવિવારના રોજ મળી હતી. જેમાં ચેરમેન જે. જે. પટેલ, વાઇસ ચેરમેન મુકેશભાઈ કામદાર સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેમાં મહત્વના ઠરાવો થયા હતા.
જેમાં સુપ્રીમ કોર્ટના ચૂંટણીના આદેશને આવકારવામાં આવેલ અને સુપ્રીમ કોર્ટે જે ચૂંટણી અંગેનો હુકમ કર્યો છે, તેને બાર કાઉન્સિલ દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો. આ સાથે જ બોર્ડની બેઠકમાં ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી તાત્કાલિક કરાવવા ચર્ચા થઈ હતી.
BCG એ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI)ને ઠરાવ કરીને જણાવ્યું કે, ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી તેના નિયમ મુજબ તાત્કાલિક કરાવવામાં આવે. જેના માટે તેઓ સજ્જ છે. ઉલ્લેખનીય છે દેશના કેટલાક બાર કાઉન્સિલમાં પાછલાં ઘણા વર્ષોથી ચૂંટણી થઈ નથી. આથી તેની ચૂંટણી કરાવવા બાબતે આગામી તા. 31 જાન્યુઆરી સુધીમાં કરાવવા બાબતે આદેશ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત આજની બેઠકમાં વકીલોના વેરિફિકેશન (ચકાસણી) ના મુદ્દાને લઈને ગુજરાતના વકીલોના મતાધિકારને સુરક્ષિત કરવાની રજૂઆત સુપ્રીમ કોર્ટમાં ૧૭ તારીખે કરવામાં આવશે એમ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે. જે. પટેલએ જણાવ્યું હતું. સમગ્ર ગુજરાતના વકીલોના મતાધિકારને કોઈ રોકી ન શકે તેવો મત વ્યક્ત કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) દ્વારા જે રૂ.૧,૨૫,૦૦૦ની ફી નક્કી થઈ છે, તેની વિચારણા કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. આ સાથે જ ઠરાવાયું કે, ભૂતિયા વકીલો પર કાર્યવાહીને સમર્થન છે, પણ સાચા વકીલોને નુકસાન ન થવું જોઈએ.