Ahmedabad,તા.૨૬
મહારાષ્ટ્ર-ઝારખંડ ચૂંટણીના પરિણામો આવી ગયા છે. મહારાષ્ટ્ર સરકારના શપથ ગ્રહણ સમારોહ બાદ ભાજપ હાઈકમાન્ડ ગુજરાત માટે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે કોની પસંદગી કરવી તે મુદ્દે વિચારણા કરશે. જો કે રાજકીય પ્રણાલી મુજબ આ વખતે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ ઓબીસી હશે.
કેન્દ્રીય મંત્રી બન્યા બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલનો એક પગ દિલ્હીમાં અને બીજો ગુજરાતમાં છે. તેઓ મંત્રી અને પ્રદેશ પ્રમુખની જવાબદારી સંભાળી શકતા નથી. તે જોતા ખુદ પાટીલે સંકેત આપ્યા છે કે વાવ વિધાનસભાની પેટાચૂંટણી બાદ આગામી દિવસોમાં નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક કરવામાં આવશે.
અગાઉ પણ એવું બન્યું છે કે પ્રદેશ પ્રમુખની રેસમાં સામેલ નામોને બદલે નવા ચહેરાને ગુજરાત ભાજપની જવાબદારી સોંપવામાં આવી છે. રાજકીય પંડિતો પણ ભાજપમાં શું થશે તેનો અંદાજો લગાવી શકતા નથી. સૂત્રો કહે છે કે આ વખતે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતમાંથી કોઈ ઓબીસી નેતાની નિમણૂક કરવામાં આવે તેવી શક્યતા છે. રાજકીય રીતે જ્યાં પાટીદાર મુખ્યમંત્રી હોય ત્યાં કોઈ પાટીદાર નેતાને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તેવી શક્યતા ઓછી છે. આ જોતાં ઓબીસી નેતા જ એકમાત્ર વિકલ્પ છે. હાલ ભાજપના વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે નવા પ્રદેશ પ્રમુખ માટે પૂર્ણાશ મોદી, દેવુસિંહ ચૌહાણ, જગદીશ પંચાલ અને મયંક નાયકના નામ રેસમાં છે.
હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાત ભાજપની કમાન કોને સોંપશે તેના પર સૌની નજર છે. ભાજપ હાઈકમાન્ડ પણ હવે એવા પ્રદેશ પ્રમુખની પસંદગી કરવા માંગે છે જે સરકાર અને સંગઠન વચ્ચે સંવાદિતા જાળવી શકે. અગાઉ પણ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી વચ્ચે ઘર્ષણ થયું છે. આ મહિનાના અંત સુધીમાં ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળી જશે તેવું જાણવા મળ્યું છે.