Gandhinagar તા.4
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે આજે કાર્યભાર સંભાળનાર શ્રી જગદીશ વિશ્વકર્માએ પોતાના પ્રથમ સંબોધનમાં જ પક્ષના કાર્યકર્તાઓ તથા વરિષ્ઠ નેતાઓને સંબોધતા કહ્યું હતું કે ગુજરાતમાં જે રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહના નેતૃત્વમાં તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જે સંગઠનના નવા માપદંડ સ્થાપ્યા છે અને 2022માં 156 બેઠકો સાથે જીતનો રેકોર્ડ બનાવ્યો છે તે જાળવી રાખવાનો આપણા સૌનો પડકાર છે.
આજે કમલમમાં યોજાયેલા એક દબદબાભર્યા સમારોહમાં સર્વપ્રથમ હાજર રહેલા કેન્દ્રીય નિરીક્ષક કે.લક્ષ્મણ તથા પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ અગ્રણીઓની હાજરીમાં શ્રી પાટીલે તેમને ભાજપનો ઝંડો આપીને રાજય ભાજપનું નેતૃત્વ સોંપ્યું હતું તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શ્રીફળનો પડો આપ્યો હતો અને બાદમાં નવા પ્રદેશ પ્રમુખનું અભિવાદન કરાયું હતું.
કમલમમાં ઉભા કરાયેલા ખાસ સમીયાણામાં રાજયભરમાંથી ભાજપના કાર્યકર્તાઓ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વારંવાર ભારત માતા કી જય અને વંદેમાતરમના નારાથી નવા પ્રદેશ પ્રમુખને વટાવી લીધા હતા. શ્રી વિશ્વકર્માએ પોતાના સંબોધનમાં કહ્યું કે દેશમાં વિકાસના કામો થયા છે. ઓપરેશન સિંદુરમાં સફળતા મળી છે અને જીએસટીમાં પણ જે રીતે સુધારા થયા છે તે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સેવા અને પરિશ્રમી પ્રયત્નો મારફત તેનો અમલ થયો છે.
શ્રી વિશ્વકર્માએ કહ્યું કે મારી ઓળખ કેસરીયો ખેસ છે અને કાર્યકર્તાઓ એ ભાજપની ઓળખ છે અને પક્ષમાં સૌથી મૂલ્યવાન એ કાર્યકર્તાઓ છે અને હું સૌ કાર્યકર્તાઓને વિનંતી કરુ છું કે 25 વર્ષમાં જનતાએ આપણા પર ભરોસો મુકયો છે તેથી આપણી જવાબદારી વધી છે.
તેમણે આ તકે કાર્યકર્તાઓને નમન કર્યા હતા અને હજારો કાર્યકર્તાઓએ પણ ઉભા થઈને તેમનું અભિવાદન કર્યુ હતું. શ્રી પંચાલ ગુજરાત ભાજપના નવા સુકાની તરીકે બાદમાં કમલમમાં જઈને પોતાની ઓફીસનો ચાર્જ સંભાળી લીધો હતો અને સૌએ શુભેચ્છા આપી હતી.
ચુંટણી માટે અમે ત્રણ વખત દિલ્હી ગયા હતાઃ ઉદય કાનગડ
ગુજરાતમાં ભાજપના સંગઠન પર્વના ભાગરૂપે યોજાયેલી ચૂંટણીમાં ઈન્ચાર્જની ભૂમિકા ભજવનાર રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડે જણાવ્યું હતું કે ચૂંટણી સંબંધી માહિતી માટે અમે ત્રણ વખત દિલ્હી ગયા હતા. તમામ જિલ્લાઓનો પ્રવાસ કર્યો હતો. 50777 બુથની ચુંટણીઓ સંપન્ન કરી હતી. અમને સૌનો સહકાર મળ્યો છે. અમારી ટીમની મહેનત સફળ થઈ છે અને નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત પણ થઈ છે તે સમયે હું સૌનો આભાર માનું છું.
જગદીશભાઈને સરકાર અને સંગઠનનો ખૂબ સારો અનુભવઃ મુખ્યમંત્રી
ગુજરાત ભાજપ અને રાજય સરકારને તેનો લાભ મળશેઃ વિશ્વાસ વ્યક્ત
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે કમલમના દબદબા ભર્યા સમારોહમાં નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને શ્રીફળનો પડો અને સાકર આપીને વધાવી લીધા હતા અને તેમના જ મંત્રીમંડળના સાથીને હવે નવી જવાબદારી મળી છે તેની શુભેચ્છા આપી હતી. શ્રી પટેલે જણાવ્યું કે આજનો યુગ ટેકનોલોજીનો છે અને જગદીશભાઈ ટેકનોસેવી છે.
જયારે અમદાવાદના શહેર પ્રમુખ હતા તે સમયે મહાનગરપાલિકામાં સારા પરિણામ મળ્યા હતા. હવે સરકાર અને સંગઠન બંનેનો અનુભવ આપણને માટે કામ લાગશે અને જગદીશભાઈના નેતૃત્વમાં સંગઠન અને સરકાર બંને લોકોની અપેક્ષાઓ સંતોષશે. શ્રી મુખ્યમંત્રીએ તેમને નવા પદ બદલ અભિનંદન આપ્યા હતા.
ભુપેન્દ્ર પટેલ તથા સી.આર.પાટીલ સહિત 39 રાષ્ટ્રીય પરિષદમાં બિનહરીફ
આજે ભાજપના નવા પ્રદેશ પ્રમુખની વરણી સાથે ગુજરાત ભાજપના 39 રાષ્ટ્રીય પરિષદના સભ્યો પણ બિનહરીફ જાહેર થયા છે જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પુર્વ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વગેરેનો સમાવેશ થાય છે અને નવા પ્રમુખે તેમને પણ અભિનંદન આપ્યા હતા.
પ્રદેશ પ્રમુખની જવાબદારી સંભાળતા પહેલા કેમ્પ હનુમાનના દર્શન કરતા જગદીશ વિશ્વકર્મા
આજે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે ચાર્જ સંભાળતા પૂર્વે જગદીશ વિશ્વકર્મા અમદાવાદના પ્રખ્યાત શાહીબાગના કેમ્પ હનુમાન સાથે દર્શન કરવા પહોંચ્યા હતા અને અહીં તેણે ભગવાન પાસે પક્ષના આ કામગીરી પૂર્વે આશીર્વાદ મેળવ્યા હતા.
ઓલ ધ બેસ્ટ…. હવે તમારી જવાબદારી
સી.આર.પાટીલે શુભેચ્છા આપી
હવે તમારી જવાબદારી, ઓલ ધી બેસ્ટ : ગઈકાલે ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે અમદાવાદ – નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માએ નામાંકન કર્યું હતું. આજે તેઓ સત્તાવાર રીતે ચાર્જ સંભાળશે. ત્યારે ગઈકાલે ઉમેદવારી નોંધાવ્યા બાદ હાલ ભાજપ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલને મળ્યા હતા.
કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે શુભેચ્છા આપી અને મો મીઠું કરાવ્યું હતું. ગુજરાતમાં ભાજપે સી.આર.પાટિલના નેતૃત્વ હેઠળ અનેક રેકોર્ડ તોડ્યા અને ઊંચાઈઓ સર કરી હતી. તે જ પ્રમાણે હવે આગામી સમય સૌથી પ્રથમ પડકાર જગદીશ પંચાલ માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે.
સી.આર.પાટીલને કેન્દ્રમાં કેબિનેટ મંત્રીપદ અને હાલમાં બિહાર વિધાનસભાની પણ જવાબદારી મળી છે, અને તેઓ અનેક વખત જાહેર કાર્યકરોમાં કહેતા કે હવે ગુજરાતમાંથી મુક્ત થવાનો છું. તે સમયે નવા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલને નવી જવાબદારી માટે અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી.
પ્રેસ મીટની ઉતાવળે જાહેરાત અને પછી રદ કરવી પડી
ગઈકાલે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે ઉમેદવારી બાદ આજે તેઓ બિનહરીફ ચુંટાયેલા જાહેર થયા છે અને પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળી લીધો છે. તે પુર્વે કાલે સાંજે પ્રદેશ ભાજપ કાર્યાલયે જાહેર કરી દીધુ કે શ્રી વિશ્વકર્મા રાત્રીના 9 વાગ્યે તેમના નિવાસે પત્રકારોને મળશે તો સૌને આશ્ચર્ય થયું.
હજુ સતાવાર રીતે ચુંટાયા નથી અને હોદ્દો સંભાળવાનો બાકી છે તે પુર્વે અને તે પણ રાત્રીના 9 વાગ્યે તેમના વ્યક્તિગત નિવાસે પત્રકાર પરિષદનું આયોજન કયાં હેતુ માટે તે અંગે અટકળો સર્જાઈ પણ બાદમાં તે પત્રકાર પરિષદ અનિવાર્ય કારણે રદ થઈ હોવાનું પણ જાહેર થયું હતું. આમ નવા પ્રમુખના પ્રથમ શેડયુલમાં કોણે આ પ્રકારના નિર્ણય લીધા તે પ્રશ્ન ભાજપમાં પુછાઈ રહ્યા છે અને તેની મીડીયા ટીમની ભૂમિકા પણ ચર્ચામાં છે.
નિવાસેથી જ મીની રેલી
આજે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા તેમના નિવાસેથી કમલમ જવા રવાના થયા તે સાથે જ કેસરીયા ખેસ સાથે સેકડો કાર્યકર્તાઓ તેમની સાથે જોડાઈ ગયા હતા.
સી.આર.પાટીલનો સહકાર સંદેશ નવા પ્રમુખ વિશ્વકર્મા ઝડપી લેશે!
પાટીલે યોગ્ય સમય પસંદ કર્યાની ચર્ચા
રાજકોટઃ ગુજરાતમાં સહકારી ચુંટણી સમયે હોટ ટોપીક બનેલા પક્ષના મેન્ડેટમાં જે રીતે પક્ષના ટોચના અગ્રણી તથા ઈફકો સહિતની સંસ્થાઓના વડા દિલીપ સંઘાણીએ સહકારી સંસ્થાઓમાં પક્ષનો મેન્ડેટ ન ચાલે તેમ કહીને ઈફકોમાં ભાજપના સતાવાર મેન્ડેટ ધારી ઉમેદવાર કિશોર પટેલ- ગોતાને પરાજીત કરી તેમાં જયેશ રાદડીયાને ડિરેકટર તરીકે લીધા હતા.
તે સમયે કોઈ વિવાદ ન સર્જાય તેની સી.આર.પાટીલે કશું જાહેરમાં બોલવાનું ટાળ્યુ હતું તે પછી આજે જે રીતે મેન્ડેટમાં પક્ષનો અધિકાર છે અને તેને પક્ષની શિસ્ત સાથે સાંકળી લીધું તે પછી હવે નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા કઈ રીતે આ મુદાને લે છે તેના પર સૌની નજર છે.
શ્રી પાટીલે આ મુદો ઉકેલવા માટે `યોગ્ય’ સમય પસંદ કર્યો છે અને નવા પ્રદેશ પ્રમુખને પણ હવે તેઓએ સહકારી ચુંટણીમાં નિર્ણાયક વલણ અપનાવવું પડશે તેવો સંકેત આપી દીધો છે.
18 મહિનાની શોધ- દિલ્હીની એક મુલાકાત અને 18 કલાકમાં નવા પ્રમુખ
ગુજરાત ભાજપના મોટાભાગના નેતાઓ વિશ્વકર્માના દિલ્હી પ્રવાસથી અજાણ હતા
ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની પસંદગીમાં આખા ગુજરાતમાં નવા પ્રમુખ અંગે શોધ કર્યા બાદ અંતે અમદાવાદમાંથી જ પક્ષના અગ્રણીને લેવાયા તેની પાછળ પણ અચાનક જ નિર્ણય લેવાયો હોય તેવા સંકેત છે. ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણુંક કરશે કે કેમ તે ચર્ચા હતી ત્યાં જ જગદીશ વિશ્વકર્માને દિલ્હીનું તેડુ આવ્યુ.
જો કે આ પ્રવાસથી ભાજપના મોટાભાગના નેતાઓ અજાણ હતા. દિલ્હીમાં તેઓએ ભાજપ મોવડીમંડળ સાથે બેઠકો કરી અને રાત્રે ગાંધીનગર પરત આવતા જ બીજા દિવસે ચુંટણી માટેની તૈયારીનો આદેશ આવી ગયો અને ગણતરીની કલાકોમાં જ નવા પ્રમુખની પસંદગી થઈ ગઈ. આમ 18 મહિનાની શોધમાં 18 કલાક પણ ન લાગ્યા.
હાર્દિક પટેલને ધારાસભ્યો વચ્ચે જગ્યા શોધવામાં પણ મુશ્કેલી પડી
આજે ભાજપના નવા પ્રદેશ પ્રમુખની વિધિવત વરણી સમયે ભાજપના તમામ ધારાસભ્યો હાજર હતા, જેમાં વિરમગાના ધારાસભ્ય હાર્દિક પટેલ પણ ઉપસ્થિત હતા પરંતુ ધારાસભ્ય વચ્ચે પ્રથમ બે-ત્રણ હરોલમાંં તેમનું સ્થાન ન હતું અને તેથી તે પોતાની જગ્યા શોધતા નજરે ચડતા હતા.અંતે ભીંડની વચ્ચે તેઓને એક ખુરશી મળી ગઈ હતી.