Gandhinagar, તા.18
ગુજરાત કોંગ્રેસના પ્રમુખપદેથી શક્તિસિંહના રાજીનામા બાદ ખાલી પડેલા પ્રમુખના પદ માટે ઓબીસી ચહેરા પર પસંદગી ઉતારવામાં આવી છે અને ફરી એકવાર અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપવામાં આવી છે.
કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિયુક્તિ કરવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ આ પદ ખાલી હતું. ચાવડા પહેલા વિપક્ષના નેતા હતા. તુષાર ચૌધરી હવે વિધાનસભામાં વિપક્ષના નેતા બન્યા છે. આ નિર્ણય દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓ અને હાઇ કમાન્ડ વચ્ચે બેઠક બાદ લેવાયો છે. કોંગ્રેસે OBC અને આદિવાસી સમાજને પ્રાધાન્ય આપ્યું છે.
આ નિર્ણય રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથેની બેઠક બાદ લેવામાં આવ્યો છે. અમિત ચાવડા પહેલા પણ માર્ચ 2018થી ડિસેમ્બર 2021 સુધી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને વિધાનસભામાં નેતા વિપક્ષ પણ રહી ચૂક્યા છે, જેના કારણે તેમને સરકાર અને સંગઠન બંનેનો સારો અનુભવ છે.
કોંગ્રેસના આ નિર્ણય પાછળ ઓબીસી સમુદાયને પ્રાધાન્ય આપવાનો હેતુ પણ માનવામાં આવે છે. અમિત ચાવડાના ઓબીસી કાર્ડ પર ભાર મૂકવાની રાજનીતિ અને જાતિગત સમીકરણોને સમજવાની ક્ષમતા પણ કોંગ્રેસના આ નિર્ણયમાં મહત્વનુ પાસા તરીકે જોવામાં આવે છે.
કોંગ્રેસે હાલ પ્રમુખ પદે OBC નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે આદિવાસી નેતાને પ્રાધાન્ય આપ્યુ છે. ડો તુષાર ચૌધરીને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કોંગ્રેસ હાઈકમાન્ડના આ બે નિર્ણયો ગુજરાતના રાજકારણમાં નવા પરિવર્તનો લાવી શકે છે કે કેમ!
ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ કાર્યભાર ધારાસભ્ય શૈલેષ પરમારને સોંપવામાં આવ્યો હતો. દિલ્હી ખાતે કોંગ્રેસના નેતાઓની અવર જવર ચાલુ હતી. આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાને ફરીવાર કોંગ્રેસની કમાન સોંપવામાં આવી છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જગદીશ ઠાકોરને કોંગ્રેસની કમાન સોંપવામાં આવી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન કંગાળ રહેતા પક્ષની કમાન રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલને સોંપવામાં આવી હતી.
શક્તિસિંહે પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ કોંગ્રેસ બનાસકાંઠાની લોકસભા બેઠક પર જીતી ગઈ હતી. ત્યાર બાદ કડી અને વિસાવદર બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસનો કારમો પરાજય થતાં શક્તિસિંહે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
ગુજરાત કોંગ્રેસની કમાન પાટીદારોના હાથમાં સોંપવા માટે અનેક પ્રયાસો હાથ ધરાયા હતાં. કોંગ્રેસના પાટીદાર નેતાઓ ઘણી વખત દિલ્હી ખાતે હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત કરી ચૂક્યા હતાં.
બીજી બાજુ કોળી સમાજમાંથી પણ પક્ષના નેતા બનાવવામાં આવે તે માટે પ્રયત્નો હાથ ધરાયા હતાં. પરંતુ હાઈ કમાન્ડે ફરીવાર અમિત ચાવડા પર વિશ્વાસ રાખીને તેમને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપી છે. અમિત ચાવડા આંકલાવ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે.