Rajkot,તા.15
રાજકોટના રહીશ ચંદુભાઈ મનજીભાઈ ઘણા વર્ષોથી ગુજરાત ગેસ લી. ના ગ્રાહક છે. સને 2017 માં ફરીયાદી-ચંદુભાઈ પોતાનું ઘર બંધ કરી પોતાના અન્ય ઘરે રહેવા જતાં રહેલ અને સને 2022 માં પોતાના ઘરમાં પરત રહેવા માટે આવેલ. સને 2017 થી સને 2022 દરમ્યાન પોતાના બંધ રહેલ ઘરના બંધ ગેસ કનેકશન વપરાશનું દર 2 માસ એ આવતું મિનિમમ ગેસ બીલ ફરીયાદી દ્વારા નિયમીત ગુજરાત ગેસ.લી ને ચુકવી આપવામાં આવતું.
સને 2022 માં ફરીયાદી પોતાના ઘરે પરત રહેવા આવતા પોતાની ઈચ્છાથી ગુજરાત ગેસ દ્વારા ફરીયાદીનું ગેસ મીટર બદલવામાં આવેલ અને ત્યાર બાદના ગેસ બીલમાં સને 2017 થી સને 2022 સુધી ગેસ મીટર ખામીને કારણે બંધ થઈ ગયાના કારણોસર બાકી ગેસ બીલની સરેરાશ રકમ દર્શાવીને તે રકમ ફરીયાદી પાસેથી ગુજરાત ગેસ લી. દ્વારા વસુલ કરવામાં આવતાં, ફરીયાદી દ્વારા તેમના એડવોકેટ સુનિલ પોપટ મારફત રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરીયાદ કરવામાં આવેલ હતી.
ઉપરોકત ફરીવાદ ચાલી જતાં, રજુ થયેલ ફરીયાદ, તમામ દસ્તાવેજો, પુરાવા, દલીલો, હકીકતો ધ્યાને લઈ ગ્રાહક કમિશને, ફરીયાદ મંજુર કરી ગુજરાત ગેસ લી. એ ગ્રાહક સેવામાં ખામી સર્જેલ હોય,સને 2017થી 2022 દરમ્યાનના બંધ ઘર/ગેસ વપરાશની વસુલ કરેલ રકમ 30 દિવસમાં 7% વ્યાજ સહીત ફરીયાદીને ચુકવી આપવી, તેમાં નિષ્ફળ ગયે 9% વ્યાજ સાથે રકમ રકમ તેમજ વળતરની રકમ અલગથી ચુકવવાનો હુકમ કરેલ છે. આ કેસમાંં ફરીયાદી તરફે સુનિલ સી પોપટ એડવોકેટ દરજજે રોકાયેલ હતા.

