રાજ્ય સરકારની ‘વિદેશ અભ્યાસ લોન યોજના’ હેઠળ અત્યાર સુધીમાં બિન અનામત વર્ગના ૧૪,૯૯૩ વિદ્યાર્થીઓને રૂ. ૨૧૮૨.૪૩ કરોડથી વધુની લોન મંજૂર કરાઈ છે
Ahmedabad,તા.૧૧
ભારતમાં ઉજ્જવળ કારકિર્દી ધરાવતા અનેક વિદ્યાર્થીઓએ વિવિધ શિક્ષણલક્ષી યોજનાઓ થકી વિદેશમાં અભ્યાસ પૂર્ણ કરીને પોતાની કારકિર્દીને પાંખો આપી છે. ત્યારે રાજ્ય સરકારની ‘વિદેશ અભ્યાસ લોન યોજના’ હેઠળ અત્યાર સુધીમાં બિન અનામત વર્ગના ૧૪,૯૯૩ વિદ્યાર્થીઓને રૂ. ૨૧૮૨.૪૩ કરોડથી વધુની લોન મંજૂર કરાઈ છે.
બિન અનામત વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ પછી વિદેશ અભ્યાસ કરી શકે તથા પોતાની ઉચ્ચ કારકિર્દી બનાવી શકે તે માટે ‘વિદેશ અભ્યાસ લોન યોજના’ અમલી બનાવાઈ છે.
વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છુક બિન અનામત વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદરૂપ થવા માટે સામજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના ગુજરાત બિન અનામત વિકાસ નિગમ દ્વારા વિદેશ અભ્યાસ લોન યોજના અમલી બનાવાઈ છે.
વર્ષ ૨૦૧૮થી કાર્યરત આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ૧૪,૯૯૩ વિદ્યાર્થીઓને રૂ. ૧૫ લાખ લેખે કુલ રૂ. ૨૧૮૨.૪૩ કરોડની લોન મંજૂર કરવામાં આવી છે.
વિદેશી અભ્યાસ લોન યોજના હેઠળ, બિન-અનામત શ્રેણીના વિદ્યાર્થીઓને એક વર્ષ કે તેથી વધુ અથવા ઓછામાં ઓછા બે સેમેસ્ટર માટે વિદેશમાં ઉચ્ચ શિક્ષણ અભ્યાસક્રમો કરવા માટે વાર્ષિક ૪ ટકાના સરળ વ્યાજ દરે ૧૫ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિગત અને કૌટુંબિક આવક મર્યાદા રૂ. ૬ લાખ રાખવામાં આવી છે.
‘વિદેશ અભ્યાસ લોન યોજના’ હેઠળ લોન ધોરણ-૧૨ કે માન્યતા પ્રાપ્ત સમકક્ષ અભ્યાસક્રમમાં ૬૦ ટકા કે તેથી વધુ ગુણ ધરાવતા હોવા જોઇએ. ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક, પોસ્ટ ગ્રેજયુએટ ડીપ્લોમા, પી.એચ.ડી તેમજ તમામ ક્ષેત્રના અન્ય એકથી વધુ વર્ષના અથવા ઓછામાં ઓછા બે સેમિસ્ટરના સમયગાળા માટેના અભ્યાસક્રમો માટે પણ લોન મેળવવાને પાત્ર રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એક જ પરિવારના વધુમાં વધુ બે વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.
આ યોજના હેઠળ આપવામાં આવેલી લોનમાં રૂ. પાંચ લાખ સુધીની કિસ્સામાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ૧ વર્ષ છૂટ બાદ પાંચ વર્ષના સરખા માસિક હપ્તામાં ભરવાની રહેશે. જ્યારે રૂ. પાંચ લાખથી વધુની લોનના કિસ્સામાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ એક વર્ષ છૂટ બાદ છ વર્ષના સરખા માસિક હપ્તામાં ભરવાની રહેશે.