Gandhinagar,તા.27
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ પ્રાથમિક શાળાઓમાં પ્રવેશપાત્ર એકપણ બાળક શિક્ષણનાં અધિકારથી વંચિત ન રહે તે હેતુસર વર્ષ 2002-03થી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા કાર્યક્રમની શરૂઆત કરાવી હતી.
આ કાર્યક્રમના પરિણામે આજે ગુજરાતની શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓના સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2001-02 જ્યાં ધો 1 થી 8માં વિદ્યાર્થીઓનો સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો 37.22 ટકા હતો, તે વર્ષ 2023-24માં ઘટીને 2.42 ટકા થયો.
પરંતુ, ગુજરાત સરકાર પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના સ્તરે સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો લગભગ શૂન્ય ટકા કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં સ્કૂલ ડ્રોપઆઉટને અટકાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમ (EWS) લાગૂ કરવામાં આવી છે.
આ સિસ્ટમ શાળા છોડીને જઇ શકે તેવા સંભવિત બાળકોની અગાઉથી જ ઓળખ કરી લે છે, જેથી તેઓને શાળા છોડતા અટકાવી શકાય અને તેઓ પોતાનું શિક્ષણ પૂર્ણ કરે તે સુનિશ્ચિત કરી શકાય.
ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓ (ધો- 1 થી 8)માં આજે લગભગ 1 કરોડ જેટલા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, અને આ વિદ્યાર્થીઓમાંથી EWS થકી અત્યારસુધીમાં લગભગ 1,68,000 એટલે કે 2%થી પણ ઓછા વિદ્યાર્થીઓની ઓળખ કરવામાં આવી છે, જેઓ સંભવિત ડ્રોપઆઉટનું જોખમ ધરાવે છે.
રાજ્ય સરકાર સુનિશ્ચિત કરશે કે EWS દ્વારા ઓળખી કાઢવામાં આવેલ સંભવિત ડ્રોપઆઉટ થવાનું જોખમ ધરાવતા આ 1,68,000 બાળકો તેમનું શાળાકીય શિક્ષણ ચાલુ રાખે. આ માટે આ બાળકો અને તેમના વાલીઓને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવશે, અને બાળકના વિકાસ અને પ્રગતિ માટે શાળાકીય શિક્ષણ પૂર્ણ કરવું કેટલું મહત્વપૂર્ણ છે, તેની સમજ આપવામાં આવશે.
સંપૂર્ણપણે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતી AI આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમ (EWS ) પ્રાથમિક શાળામાં (ધો- 1 થી 8) ભણતા પ્રત્યેક વિદ્યાર્થીના રેકોર્ડ (ઉંમર, જાતિ, વિકલાંગતા વગેરે), શાળા પ્રદર્શન, હાજરી અને મૂલ્યાંકન જેવા ડેટાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીના સંભવિત ડ્રોપઆઉટ થવાની અગાઉથી આગાહી કરે છે અને તેને અટકાવવા માટેના પગલાં લેવા માટે એલર્ટ આપે છે.
આ સિસ્ટમમાં એલ્ગોરિધમ્સ દ્વારા ડેટાની પેટર્નની ઓળખ કરીને સંભવિત ડ્રોપઆઉટ લેનારા બાળકની ઓળખ કરવામાં આવે છે, જેથી ડ્રોપઆઉટનું જોખમ ધરાવતા વિદ્યાર્થીઓ પર વિશેષ ધ્યાન આપીને ડ્રોપઆઉટ થયા પહેલા જ સમયસર પગલાં લઇ શકાય.