Rajkot,તા.09
રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના કેસમાં બે સરકારી કર્મચારીઓની તેમને કેસમાંથી બિનતહોમત મુક્ત કરવાની અરજીઓ ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એલ.એલ.પીરઝાદા દ્વારા ફગાવી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગરપાલિકા અને ફાયર વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓની બેદરકારીના કારણે આ દુર્ઘટના બની હતી તેમાં ૨૮ નિર્દોષ નાગરિકો જીવતા ભડથું થઇ ગયા હતા.હાઇકોર્ટે બંને આરોપીઓની ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ગુનાહિત બેદરકારી અને ફરજમાં ગંભીર નિષ્કાળજી દાખવવા સહિતના પાસાઓ ધ્યાનમાં લઇ બંને આરોપીઓને આ કેસમાંથી બિનતહોમત છોડી મૂકવા)નો સાફ ઇન્કાર કરી દીધો હતો. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાને જામીન આપ્યા હતા. દરમિયાન રાજકોટની કોર્ટે અરજી ફગાવી દીધી હોવાથી રાજકોટ મનપાના આસીસ્ટન્ટ એન્જીનીયર જયદીપ ચૌધરી અને સ્ટેશન ફાયર ઓફિસર રોહિત વીઘારાએ આ કેસમાં બિનતહોમત છૂટવા માટે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરેલી ડિસ્ચાર્જ અરજી હાઇકોર્ટે ફગાવી દીધી હતી . રાજકોટ મનપાના આસીસ્ટન્ટ એન્જીનીયર જયદીપ ચૌધરી અને સ્ટેશન ફાયર ઓફિસર રોહિત વીઘારાની ડિસ્ચાર્જ અરજીનો વિરોધ કરતાં સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે,ટીઆરપી ગેમ ઝાનમાં આગ લાગવાની અને તેમાં નિર્દોષ ૨૮ જણાં જીવતા ભુંજાઈ ગયાની ઘટના બાદ આરોપીઓ દ્વારા તેમની ફરજમાં દાખવાયેલી ગંભીર નિષ્કાળજી અને ગુનાહિત બેદરકારીના કારણે બન્યો હતો. ટીઆરપી ઝોનમાં જે દિવસે અગ્નિકાંડની દુર્ઘટના સર્જાઇ તે પહેલાં પણ તેમાં આગ લાગી ચૂકી હતી અને તે વાતની સ્ટેશન ફાયર ઓફિસર રોહિત વીઘોરાને જાણ હતી, ફાયર એનઓસી ન હતી, છતાં તેણે તેના ઉપરી અધિકારીઓને કહીને કે, સૂચિત કરીને જરૃરી પગલાં ના લેવડાવ્યા અને ટીઆરપી ઝોન બંધ ના કરાવ્યું. આસીસ્ટન્ટ એન્જીનીયર જયદીપ ચૌધરીની પણ ગુનાહિત કૃત્યમાં એટલી જ જવાબદારી બને છે કારણ કે, તે એક જાહેર સેવક તરીકે પોતાની વૈધાનિક ફરજ અદા કરવામાં નિષ્ફળ રહ્યા છે. ટીઆરપી ઝોનનું કન્સ્ટ્રકશન ગેરકાયદે હતું તેમછતાં તે થવા દીધુ અને તેની વિરૃધ્ધ સમયસર કોઇ પગલાં ના લેવાયા જેના કારણે આ દુર્ઘટના ઘટી. જો, આરોપીઓએ સમયસૂચકતા દાખવી પોતાની ફરજ નૈતિક અને વૈધાનિક રીતે અદા કરી હોત તો નિર્દોષ ૨૮ નાગરિકો જીવતા ઉંજાઇ ના મર્યા હોત. આ બહુ ગંભીર પ્રકારનો ગુનો છે અને આરોપીઓ વિરૃધ્ધ ગુનાહિત બેદરકારી તેમ જ ફરજમાં નિષ્કાળજીનો પ્રથમદર્શનીય કેસ બને છે ત્યારે હાલના કેસમાં આ તબક્કે તેઓને હવે ડિસ્ચાર્જ કરી શકાય નહી. કારણ કે, તેઓની વિરૃદ્ધ ટ્રાયલ ચલાવવા માટે પૂરતા પુરાવા તપાસનીશ એજન્સી પાસે ઉપલબ્ધ છે, તેથી હાઇકોર્ટે આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી દેવી જોઇએ. સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે સ્ટેશન ફાયર ઓફિસર રોહિત વીઘોરા અને આસીસ્ટન્ટ એન્જીનીયર જયદીપ ચૌધરીની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી હતી.