Ahmedabad,તા.18
વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતમાં મુખ્યમંત્રી પદ સમયે તેઓએ રાજયમાં ઘરે ઘરે પાઈપલાઈનથી ગેસ પહોંચાડવાની જે યોજના અમલમાં મુકી હતી તે આગે રંગ લાવી છે અને દેશમાં પીએનજી (પાઈપ્ડ નેચરલ ગેસ) પૂરા પાડવામાં ગુજરાત એ દેશનું પ્રથમ નંબરનું રાજય બની ગયું છે.
હાલ રાજયમાં કુલ 35.93 લાખ પીએનજી કનેકશન છે. જેની સામે એલપીજી કનેકશન 82.75 લાખ હોવાનુ બહાર આવ્યું છે આમ નોન ઉજજવલા એટલે કે સરકારની સબસીડી મેળવતા જે એલપીજી કનેકશન છે તેને ઉજજવલા તરીકે ઓળખવામાં આવે છે પરંતુ અન્ય તમામ કનેકશન એ નોન ઉજજવલા કનેકશન છે અને તે કેટેગરીમાં ગુજરાત એ મહારાષ્ટ્રને પણ હંફાવે છે.
જોકે ડોમેસ્ટીક પીએનજીમાં મહારાષ્ટ્રે 40.42 લાખ કનેકશન ધરાવે છે અને મહારાષ્ટ્રમાં નોન ઉજજવલા કનેકશન સામે પીએનજીનો આંકડો 14 ટકા છે જયારે ગુજરાત માટે 39 ટકા છે. વાસ્તવમાં પીએનજી કનેકશન મારફત ગેસ મેળવવામાં ગુજરાતે પ્રારંભથી જ સરસાઈ મેળવી હતી.
રાજયમાં કુદરતી ગેસની શોધ ઉપરાંત મોદીના સમયમાં જે રીતે પાઈપલાઈન બીછાવાઈ અને ગુજરાતના દરીયા કિનારે આયાતી ગેસનું 70 ટકા પ્રમાણ એ ગુજરાતના અગ્રણી બનાવે છે. કોમર્શીયલ કનેકશનમાં પણ ગુજરાત નંબર વન છે કુલ 24122 કોમર્સીયલ પીએનજી કનેકશન રાજયમાં છે.
જયારે ઈન્ડસ્ટ્રીયલ કનેકશનમાં 5851 યુનીટે પીએનજી મારફત આ સુવિધા મેળવી છે. આમ ગુજરાતે મહારાષ્ટ્ર ઉતરપ્રદેશ અને દિલ્હી ત્રણેયને પાછળ રાખી દીધુ છે અને હવે પીએનજીની પાઈપલાઈન એ રાજયના બીજા વર્ગના શહેરો સુધી પહોંચવા લાગી છે. જો કે દેશભરમાં હજુ પીએનજીની પહોંચ તેના ટાર્ગેટ મુજબ નથી.