Ahmedabadતા.૨
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત આગામી ૪ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ નવા પ્રમુખની જાહેરાત થઈ શકે છે. કમલમ ખાતે આ ચૂંટણી પ્રક્રિયાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
પ્રદેશ ભાજપે પ્રમુખની ચૂંટણી માટે વિગતવાર કાર્યક્રમની જાહેરાત કરી છે, જેમાં મુખ્યત્વે બે દિવસની કાર્યવાહીનો સમાવેશ થાય છેઃ
ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા ૦૩-૧૦-૨૦૨૫
ફોર્મ ચકાસણી પ્રક્રિયા ૦૩-૧૦-૨૦૨૫
ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા ૦૩-૧૦-૨૦૨૫
મતદાન પ્રક્રિયા ૦૪-૧૦-૨૦૨૫
મત ગણતરી અને જાહેરાત ૦૪-૧૦-૨૦૨૫
ચૂંટણી કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ચૂંટણીના પહેલા જ દિવસે એટલે કે ૦૩ ઓક્ટોબરે ફોર્મ ભરવાથી લઈને ફોર્મ પરત ખેંચવા સુધીની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ અગાઉ, ચૂંટણી માટેની મતદાર યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે.
૪ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ યોજાનાર મતદાન, મત ગણતરી અને પરિણામની જાહેરાતના કાર્યક્રમમાં પ્રદેશ કક્ષાના હોદ્દેદારો સહિત જિલ્લા કક્ષાથી પણ મહત્ત્વના આગેવાનો ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, પાર્ટીના આંતરિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તમામ આગેવાનોની હાજરીમાં જ નવા પ્રદેશ પ્રમુખના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. આ ચૂંટણી પ્રક્રિયા ગુજરાત ભાજપના સંગઠનમાં એક નવા અધ્યાયનો પ્રારંભ કરશે અને આગામી રાજકીય રણનીતિ માટે પાયો નાખશે.
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આવતીકાલે, ૩ ઓક્ટોબરે, પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ ચૂંટણી માટે કુલ ૨૨૯ મતદારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે, જે પાર્ટીના બંધારણ મુજબ તૈયાર કરવામાં આવી છે.
પાર્ટીના નિયમો અનુસાર, આ મતદાર યાદીમાં નીચે મુજબના સભ્યોનો સમાવેશ કરાયો છે. લોકસભા અને રાજ્યસભાના સભ્યો પૈકી ૧૦% સભ્યો (૪ સભ્યો) મતદાર બનશે. વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્યો પૈકી ૧૦% સભ્યો (૧૬ સભ્યો) મતદાર બનશે. પ્રદેશ પરિષદના પ્રતિનિધિઓ આ ચૂંટણીમાં મતદાર તરીકે ભાગ લેશે. ચૂંટણી પ્રક્રિયાને સુચારુ બનાવવા માટે, ચૂંટણી અધિકારી કે. લક્ષ્મણ અને ભૂપેન્દ્ર યાદવ પણ ગુજરાતની મુલાકાતે આવશે.
ઉમેદવારો આવતીકાલે, ૩ ઓક્ટોબરે બપોરે ૨ઃ૦૦ વાગ્યા સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકશે. જો માત્ર એક જ ઉમેદવારી ફોર્મ રજૂ થશે, તો તે ઉમેદવારને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવશે.
રાજકીય વર્તુળોમાં એવી પ્રબળ શક્યતા વ્યક્ત થઈ રહી છે કે ભાજપ દ્વારા આ વખતે ઓબીસી (ઓબીસી) સમુદાયના નેતાને પ્રદેશ અધ્યક્ષની કમાન સોંપવામાં આવી શકે છે. આ પદ માટે અનેક મોટા નામો ચર્ચામાં છે. જેમાં અમદાવાદના નિકોલના ધારાસભ્ય અને મંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ) નું નામ આ યાદીમાં મોખરે છે. તેમજ રાજ્યસભાના સાંસદ મયંક નાયક, ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ અને સૌરાષ્ટ્રના ઓબીસી નેતા બાબુ જેબલિયાના નામ પણ રેસમાં છે. આ ઉપરાંત, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું નામ પણ ચર્ચાના કેન્દ્રમાં છે.