New Delhi,તા.18
ગુજરાત એ દેશના વિકાસનું મોડેલ બન્યુ છે અને હજું પણ દેશનું નેતૃત્વ કરી રહ્યું છે તે હાલમાં જ નીતિ આયોગના એક રિપોર્ટથી ફરી એક વખત સાબીત થયું છે. ખાસ કરીને ઉદ્યોગ સહિતના ક્ષેત્રે રોકાણકારોને આકર્ષવા નવા મૂડીરોકાણ માટે સાનુકુળતા સહિતના ક્ષેત્રે ગુજરાતે ફરી નંબર-વન સ્થાન મેળવ્યુ છે.
નીતિ આયોગના ઈન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડસીનેસ ઈન્ડેકસમાં 56.6%ના સ્કોર સાથે ગુજરાત એ પ્રથમ ક્રમે છે. નીતિ આયોગના 100 પોઈન્ટ સુધીના આ સ્કોરમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર નંબર-2ના સ્થાને 53.7 સ્કોર સામે તામિલનાડુ 53.3, ગોવા 53.1 તથા ઓડીસા 52.4 સ્કોર સાથે ટોપ પાંચમાં સ્થાન ધરાવે છે.
જયારે સૌથી બોટમમાં પુર્વાંતરના રાજયો સિકકીમ, મણીપુરની સાથે ત્રણ કેન્દ્ર શાસીત પ્રદેશો છે. નાણામંત્રી નિર્મલા સીતારામને ગત વર્ષે રજુ કરેલા બજેટમાં આ પ્રકારે રાજયો વચ્ચે સ્પર્ધાત્મક વાતાવરણ તે હેતુથી આ ખાસ નીતિ આયોગ ઈન્ડેકસ જાહેર કર્યા હતા.
જયારે પહાડી ક્ષેત્રોમાં ઉતરાખંડ 47.5 રેન્ક સાથે ટોચ પર છે. આ પ્રકારના ઈન્ડેકસને નિશ્ચિત કરવા 90 પ્રકારના જટીલ માપદંડ નિશ્ચિત કરાયા છે. ખાસ કરીને સરકારની પોલીસી તથા મૂડીરોકાણ માટેનું વાતાવરણ, ઔદ્યોગીક શાંતિ, માળખાકીય સુવિધા તથા સ્કીલ તથા સ્કીલ મેન પાવર- વિકાસ સુવિધા વિ.ને ધ્યાનમાં લેવાય છે.
આ માટે 1850 રોકાણકારોના અભિપ્રાય મેળવાયા હતા. ગુજરાતમાં જે રીતે વાઈબ્રન્ટ સમીટથી ઔદ્યોગીકરણને વેગ આપવાનો પ્રયાસ થયો તે રંગ લાવી રહ્યો છે તથા હવે રિજયોન વાઈબ્રન્ટ સમીટથી આ ખાસ છેક નાના ક્ષેત્ર સુધી લઈ જવાયા છે જેથી સ્થાનિક ઉદ્યોગોને પણ લાભ મળવા લાગ્યા છે.
મહારાષ્ટ્ર જે દેશનું વ્યાપાર પાટનગર મુંબઈ ધરાવે છે તેની સમાંતર જ હવે અમદાવાદ-ગીફટ સીટી ઉભરી રહ્યા છે જે આંતરરાષ્ટ્રીય વ્યાપાર સહયોગનું કેન્દ્ર બનવા લાગ્યુ છે.

