Ahmedabad,તા.16
આ શિયાળામાં અમેરિકન સરકાર ગીફ્ટ લઈને આવી છે. ગુજરાતનાં વિદ્યાર્થીઓને હવે વિઝા ઇન્ટરવ્યુની તારીખો સરળતાથી મળી શકશે, જેનાથી ઘણાં વિદ્યાર્થીઓને નોંધપાત્ર ફાયદો થશે અને તણાવ ઘટશે.
ભારત અને ગુજરાતનાં સેંકડો વિદ્યાર્થીઓ દર વર્ષે અમેરિકન યુનિવર્સિટીઓમાં સ્નાતક અને માસ્ટર ડિગ્રીના અભ્યાસક્રમો માટે જાય છે. આ વર્ષે, યુએસ વિઝા માટે અરજી કરનારા ગુજરાતનાં વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યુ માટે ખૂબ ઓછી રાહ જોઈ રહ્યાં છે.
અગાઉનાં વર્ષોમાં જ્યારે તારીખ નક્કી કરવી એ તણાવપૂર્ણ કાર્ય હતું. જેમાં અઠવાડિયા કે મહિનાઓ લાગી જતાં હતાં, પણ હવે સ્લોટ સરળતાથી ઉપલબ્ધ છે, જે મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓ અને વિઝા કન્સલ્ટન્ટને રાહત આપે છે.
12 નવેમ્બરના રોજ, યુએસ એમ્બેસીએ સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી હતી કે શિયાળાનાં સેસન્સ માટે ભારતમાં ઘણાં ઇન્ટરવ્યુ સ્લોટ ઉપલબ્ધ છે. આંતરરાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ દરમિયાન આ વર્ષનાં શિયાળામાં વિદ્યાર્થીઓ માટે વિઝા ઇન્ટરવ્યુ આગામી સોમવારથી શરૂ કરવામાં આવશે.
અમેરિકન એમ્બેસીએ સોશિયલ મીડિયા પોસ્ટ પર જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ માટે હવે નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન સમગ્ર ભારતમાં હજારો એપોઇન્ટમેન્ટ ઉપલબ્ધ છે. પ્રથમ વખત અરજદારોને ઇન્ટરવ્યુ લેવાની તક મળી જાય પછી અમે અગાઉ નામંજૂર થયેલાં અરજદારો માટે પણ સ્લોટ ખોલીશું .
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી અને ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ કવિતા પરીખે જણાવ્યું હતું કે, યુએસએ આ વર્ષે વિદ્યાર્થીઓ માટે રેડ કાર્પેટ પાથર્યું છે. અગાઉનાં વર્ષોમાં, વિદ્યાર્થીઓએ સતત સ્લોટનું નિરીક્ષણ કરવું પડતું હતું, અને વિલંબને કારણે ઘણી વખત તેમની યોજનાઓમાં ફેરફાર કરવો પડતો હતો. આ વર્ષે, ઇન્ટરવ્યૂની તારીખ તાત્કાલિક મેળવી શકાય છે.
તેમણે જણાવ્યું કે, માત્ર ટ્યુશન ફી જ યુએસ માટે અબજો ડોલરનો ઉદ્યોગ છે. વિદ્યાર્થીઓ રહેવાની જગ્યાઓ માટે અને અન્ય ઘણી જગ્યાએ નાણાં ખર્ચે છે, જેનાથી યુએસ અર્થતંત્રને વેગ મળે છે.
વિઝા કન્સલ્ટન્ટ મૌલિન જોશીએ જણાવ્યું હતું કે, છેલ્લાં બે વર્ષથી વિઝા માટે લોટરી સિસ્ટમ હતી. કેટલીકવાર, તારીખોની અનુપલબ્ધતાને કારણે વિદ્યાર્થીઓને છ મહિના સુધીનાં વિલંબ કરવો પડ્યો હતો. આનાથી કેટલાકને તેમનાં ઇન્ટેક શેડ્યૂલને મોકૂફ રાખવાની ફરજ પડી હતી.
તેમણે કહ્યું કે, અમે માનીએ છીએ કે વિઝાની સુધારેલી પ્રક્રિયા યુએસ માટે વધુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી શકે છે. ભારતીય વિદ્યાર્થીઓ માટે યુએસ મનપસંદ સ્થળ છે.
જો કે, નિષ્ણાતો ચેતવણી આપે છે કે વધતો જતો ફુગાવો અને યુએસમાં અભ્યાસ પછી જોબની ઘટતી સંભાવનાઓ કેટલાક વિદ્યાર્થીઓને અમેરિકન શિક્ષણમાં મોટા પ્રમાણમાં રોકાણ કરવાથી રોકી શકે છે.