Ahmedabadતા.૧૩
ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં ટેનિસ માટે જગ્યા છે. યુનિવર્સિટીએ આ જગ્યા અમદાવાદના સેટેલાઇટમાં લહાણી જેવી આર.એચ. કાપડિયા સ્પોર્ટ્સ એકેડેમીને મફતમાં આપી છે. સિન્ડિકેટની બેઠકમાં આ જગ્યા આપવા માટે ચર્ચા થઈ હતી. ત્યારબાદ સિન્ડિકેટના સભ્યોની સંમતિથી આ જગ્યા ખાનગી શાળાને ફાળવવામાં આવી છે. આ જગ્યા આપવા માટે કોઈ ટેન્ડર કે અન્ય પ્રક્રિયા કરવામાં આવી ન હતી.
૧ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ સિન્ડિકેટની બેઠકમાં આ જગ્યા ફાળવવા માટે ચર્ચા થઈ હતી, ત્યારબાદ તમામ સભ્યોની સંમતિથી આ જગ્યા ફાળવવામાં આવી હતી. આ જગ્યા ફાળવવા માટે યુનિવર્સિટી દ્વારા આર.જે. કાપડિયા સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ એમઓયુ મુજબ,આમાંથી થતી આવકનો ૭૦% ભાગ આર.એચ.કાપડિયાને જશે.જ્યારે આવકનો ૩૦% ભાગ ગુજરાત યુનિવર્સિટીને જશે. આ પછી, ૧૨ ડિસેમ્બરે ટેનિસ કોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં વાઇસ ચાન્સેલર નીરજા ગુપ્તા મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ચાર દિવસ પહેલા ગુજરાત યુનિવર્સિટી દ્વારા અલગ અલગ લોકોને જગ્યા ફાળવવાના વિવાદ બાદ યુનિવર્સિટીએ સ્પષ્ટતા કરી હતી કે ગુજરાત યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને રમતગમત પ્રવૃત્તિઓને લગતી બધી જગ્યાઓ કોઈપણ વ્યક્તિ કે સંસ્થા દ્વારા ચલાવવાની મંજૂરી નથી. આ બધાનું સંચાલન ગુજરાત યુનિવર્સિટી દ્વારા જ કરવામાં આવશે. જોકે, ટેનિસ કોર્ટ હજુ પણ કાપડિયા સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે.
આ સંદર્ભમાં, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ સિન્ડિકેટ સભ્ય ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે યુનિવર્સિટીએ જમીન હડપ કરી છે. યુનિવર્સિટીએ પોતાની મરજીથી ખાનગી સંસ્થાઓ અને લોકોને જમીન ફાળવી છે. ટેનિસ કોર્ટ પણ એક રૂપિયો લીધા વિના ખાનગી એકેડેમીને સોંપવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીને મળેલી જમીન દાનમાં આપવામાં આવી છે, જે વિદ્યાર્થીઓના હિત માટે છે. જોકે, યુનિવર્સિટી ખાનગી કંપનીઓ અને કેટલાક સભ્યોને ફાયદો કરાવી રહી છે. અમે આનો સખત વિરોધ કરીશું. આગામી દિવસોમાં, અમે લોકપાલ અને વડા પ્રધાન કાર્યાલયમાં ફરિયાદ કરીશું. જરૂર પડશે તો, અમે યુનિવર્સિટીને બચાવવા માટે કોલેજ બંધ કરવાની પણ જાહેરાત કરીશું.
કાપડિયા સ્પોર્ટ્સ એકેડેમીના ડિરેક્ટર આર.એચ. રૂપક કાપડિયાએ જણાવ્યું હતું કે અમે કંઈ ખોટું કર્યું નથી. યુનિવર્સિટીએ અમને અમારું પોતાનું કોર્ટ ચલાવવા કહ્યું હતું, તેથી અમે યુનિવર્સિટીના સહયોગથી ટેનિસ કોર્ટ શરૂ કર્યું છે, જેમાંથી થતી આવકનો ૩૦ ટકા હિસ્સો યુનિવર્સિટીને જાય છે.