Ahmedabadતા.૨૩
છાશવારે વિવાદોમાં રહેતી રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદમાં છે. પોતાને ત્યાં ગ્રેજ્યુએશન પૂર્ણ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ હવે માર્કશીટની રાહ જોઈને બેઠા છે, પરંતુ પરિણામ જાહેર થયાને ૨૫ દિવસ વિત્યા છતાં માર્કશીટ હાથમાં નથી મળી. માર્કશીટની આ માથાકૂટને લીધે વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે.
ગત માર્ચ માસમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા બીએ, બીકોમ, બીબીએ, બીસીએ સહિત ગ્રેજ્યુએશન માટે પરીક્ષા લેવાઈ હતી. જેનું પરિણામ તો યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવાયું પરંતુ જ્યારે એ પરિણામની માર્કશીટ આપવાની વાત આવી ત્યારે યુનિવર્સિટી તંત્ર બેજવાબદાર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. જેના કારણે ગુજરાત યુનિવર્સિટીના અંદાજે ૪૦ હજારથી વધુ વિદ્યાર્થીઓના પરિણામ જાહેર થયા પણ માર્કશીટનો કોઈ પત્તો નહીં લાગતા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ અંગે વિદ્યાર્થી નેતા અને એનએસયુઆઈના આગેવાન ભાવિન સોલંકીએ આક્ષેપ કર્યો છે કે બીએ સેમિસ્ટર ૬ના ૧૧૩૦૯ વિદ્યાર્થીઓનું ૨૯ મેના રોજ પરિણામ જાહેર થયું પણ વિદ્યાર્થીઓને માર્કશીટ મળી નથી. ૨૧૮૦૪ વિદ્યાર્થીઓના બીકોમ સેમિસ્ટર ૬નું પરિણામ ૨૭ મેના રોજ જાહેર થયું પણ વિદ્યાર્થીઓને માર્કશીટ મળી નથી, બીએસસી સેમિસ્ટર ૬નું પરિણામ ૨૭ મેના રોજ પરિણામ જાહેર થયું, ૨૫૬૩ વિદ્યાર્થીઓને માર્કશીટ નથી મળી. તેવી જ રીતે બીસીએના ૨૧૧૮ વિદ્યાર્થીઓનું સેમિસ્ટર ૬નું પરિણામ જાહેર થયું જ્યારે બીબીએના ૧૪૦૭ વિદ્યાર્થીઓનું સેમિસ્ટરનું પરિણામ જાહેર થયું, એલએલબીના ૨૯૫૭ વિદ્યાર્થીઓનું સેમિસ્ટર ૬નું પરિણામ જાહેર થયું અને આમ કુલ ૪૦ હજારથી વધુ વિદ્યાર્થીઓના પરિણામ તો જાહેર થયા પણ માર્કશીટ મળતી નથી.
આમાંના ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેઓને ઉચ્ચ અભ્યાસ માટે કોઈને કોઈ યુનિવર્સિટીમાં એડમિશન લેવું છે કે પછી વિદેશ અભ્યાસ માટે જવું છે પરંતુ વિદ્યાર્થીઓને માર્કશીટ મળી નથી. પરિણામ જાહેર થયાને ૨૫-૨૫ દિવસ વીતી ગયા છે પણ વિદ્યાર્થીઓને માર્કશીટ માટે ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે.