Ahmedabad,તા.24
કેન્દ્ર સરકારે જાહેર કરેલાં પંચાયતી રાજ-2024ના અહેવાલમાં ગુજરાતમાં ભાજપના રાજમાં પંચાયતી રાજની હકીકત ખુલ્લી પડી છે. કહેવાતા વિકાસ અને માત્ર પ્રચાર પાછળનું સત્ય સામે આવી ગયું છે. “ડિવોલ્યુશન ઈન્ડેક્સ 2024’માં ગુજરાતની કામગીરી રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઓછી છે. દેશને પંચાયતીરાજ આપનાર ગુજરાત ટોચનાં પાંચ રાજ્યોમાં સ્થાન મેળવી શક્યું નથી. નોંધનીય છે કે, 7 હજાર પંચાયતોમાં 2 વર્ષ સુધી ચૂંટણી ન યોજી વહીવટદારો નિમવામાં આવ્યા હતાં. આ જ દર્શાવે કે, ભાજપ સરકાર પંચાયતરાજ થકી છેવાડાના લોકોને સત્તા હાથમાં આપવામાં કેટલી ગંભીર છે.
કેન્દ્રના અહેવાલ મુજબ, ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓને સ્વાયત્તતા ઓછી છે, જે અસરકારક શાસનને અવરોધ બની રહે છે. ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓને અભાવના કારણે ગુજરાત આરોગ્ય સેવા વિતરણમાં પણ નબળું પ્રદર્શન દર્શાવે છે. ગુજરાતમાં ડૉક્ટર-શન્ટ રેશિયો હજુ પણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં નોંધપાત્ર રીતે ઓછો છે. પરિણામે ગુજરાતની આરોગ્ય વ્યવસ્થા કેરળ અને તમિળનાડુ જેવી રાજ્યોની તુલનામાં પછાત છે.
રાજ અહેવાલ 2024 અનુસાર, સરકારી શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. ગામડામાં ડ્રોપ આઉટ દર વધુ છે. શાળાની માળખાકીય સુવિધાઓ અને શિક્ષકોની ઉપલબ્ધતા બાબતે ગુજરાત, કર્ણાટક અને મહારાષ્ટ્ર કરતાં પાછળ રહ્યું છે. વિકાસના દાવાઓ કરવામાં આવી રહ્યાં છે ત્યારે ગુજરાતમાં બેરોજગારી દર સતત વધી રહ્યો છે. ડિવોલ્યુશન ઈન્ડેક્સ 2024 દર્શાવે છે કે, ગુજરાત રોજગાર સર્જન યોજનાઓમાં પણ પછાત રહ્યું છે. સરકારની નીતિઓ બેરોજગારો માટે ફાયદાકારક સાબિત થઈ શકી નથી. રાજસ્થાન અને તેલંગાણાની સરખામણીમાં, ગુજરાતની રોજગાર યોજનાઓ ઓછી અસરકારક છે. ગુજરાત પંચાયતી રાજની સંસ્થાઓ માટે નાણાંકીય સ્વાયત્તતાના મામલે છેલ્લા સ્થાને છે. આર્થિક પ્રદર્શનમાં યૂનિયન ફાઈનાન્સ કમિશન ગ્રાન્ટ્સમાં 55.1 સ્કોર જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછો છે. રાજ્ય ફાઈનાન્સ કમિશન ફાળવણી મુદ્દે 50.03 જ સ્કોર જેમાં ગુજરાત કર્ણાટક અને મહારાષ્ટ્ર કરતાં પાછળ છે. ગુજરાત રાજ્ય ફંડ ઉપલબ્ધતા 35.7 અને ખર્ચ 33.3 સ્કોર જ મેળવ્યો છે. સોશિયલ ઓડિટ અને પારદર્શિતામાં ગુજરાતે 31.07 સ્કોર મેળવ્યો છે.
ભાજપ સરકારના રાજમાં પંચાયતી રાજની કથળતી હાલત અંગે કોંગ્રેસના પ્રવક્તાએ આકરા પ્રહારો કરતા કહ્યું કે, રાજ્યની ભાજપ સરકાર મહત્ત્વના મુદ્દાઓ જેવા કે શિક્ષણ, આરોગ્ય, સ્થાનિક રોજગારી આપવામાં સદંતર નિષ્ફળ નીવડી છે, ત્યારે ગુજરાત સરકારને લોકોને ભ્રમિત કરવાને બદલે હકીકતમાં કામગીરી કરવી જોઈએ.