Ahmedabad,તા.4
શેરબજારમાં અનિશ્ચિતતા વચ્ચે પ્રાયમરી માર્કેટમાં ધમધમાટ છે. આઈપીઓની હારમાળા આવી રહી છે અને તેમાં ગુજરાતનો ડંકો છે. ચાલુ નાણા વર્ષમાં પ્રથમ ત્રિમાસીક ગાળામાં સૌથી વધુ આઈપીઓ તથા તેના લીસ્ટીંગ ગુજરાતની કંપનીઓના થયા છે.
આ સમયગાળામાં ગુજરાતની 14 કંપનીઓએ બીએસઈ-એમએસઈમાં લીસ્ટીંગ કરાવ્યુ છે. આ કંપનીઓએ મુડી બજારમાંથી રૂા.3495 કરોડ એકત્રીત કર્યા હતા. તથા આઈપીઓ-લીસ્ટીંગમાં મહારાષ્ટ્ર-દિલ્હીને પણ પાછળ રાખી દીધા છે.
નેશનલ સ્ટોક એકસચેંજના ડેટામાં સુચવ્યુ છે કે, એપ્રિલથી જુન 2025 માં ગુજરાતની 14 માંથી 9 કંપનીઓનું એનએસઈમાં લીસ્ટીંગ થયુ હતું. આ કંપનીઓએ 3374 કરોડ એકત્રીત કર્યા હતા.
આ સમયગાળામાં મહારાષ્ટ્રમાંથી પણ એનએસઈ પ્લેટફોર્મ પર 9 કંપનીઓના લીસ્ટીંગ થયા હતા.જોકે કંપનીઓએ ઉઘરાવેલી રકમ 3300 કરોડ હતી તે ગુજરાત કરતા ઓછી હતી.
દિલ્હીની ચાર કંપનીઓએ લીસ્ટીંગ કરાવ્યુ હતું અને તેના દ્વારા 3675 કરોડ એકત્રીત કર્યા હતા. બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર ગુજરાતની પાંચ કંપનીઓનું લીસ્ટીંગ થયુ હતું તેનાં દ્વારા 12106 કરોડ ઉઘરાવાયા હતા.ત્રિમાસીક ગાળામાં દેશમાં એસએમઈ કંપનીઓના કુલ આઈપીઓ આવ્યા તેમાં ત્રીજા ભાગનાં ગુજરાતની કંપનીઓનાં હતા.
નેશનલ સ્ટોક એકસચેંજે રીપોર્ટમાં એમ નોંધ્યુ ચે કે ત્રણ માસમાં ગુજરાતની નવ કંપનીઓનૂં લીસ્ટીંગ મુડી બજારમાં રાજયનું વધતુ વર્ચસ્વ સુચવે છે.
રાષ્ટ્રીય સ્તરે આ સમયગાળામાં એનજી, ઔદ્યોગીક તથા કન્ઝયુમર ડીસ્ક્રેશ્નરી ક્ષેત્રની કંપનરઓ આઈપીઓ લાવી હતી. ઈન્ડસ્ટ્રીયલ ક્ષેત્રની 13 કંપનીઓએ 2176 કરોડ મેળવ્યા હતા. કન્ઝયુમર ડીસ્ક્રેશનરી ક્ષેત્રની 8 કંપનીઓએ 9033 કરોડ મેળવ્યા હતા. એનર્જી ક્ષેત્રની બે કંપનીઓએ 2873 કરોડ ઉઘરાવ્યા હતા.
બીએસઈ એસએમઈના ડેટા પ્રમાણે 12 કંપનીઓએ કુલ 287.26 કરોડ ઉઘરાવ્યા હતા. સૌથી વધુ પાંચ આઈપીઓ ગુજરાતની કંપનીના હતા. બાકીના મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી તથા ઉતરપ્રદેશની કંપનીના હતા.
એસોસીએશન ઓફ નેશનલ એકસચેંજ મેમ્બર ઓફ ઈન્ડિયાના ડાયરેકટર વૈભવ શાહે જણાવ્યુ હતું કે, ગુજરાતના ઉદ્યોગકારોમાં વધતી જાગૃતિ તથા મજબૂત વહીવટી ક્ષમતાનો પરિચય ઉઠે છે.
છેલ્લા વર્ષોમાં ગુજરાતની કંપનીઓએ ઝડપી વિકાસ સાધ્યો છે. અનેક કંપનીઓ વિસ્તરણ કરી રહી છે અને તે માટે આઈપીઓનો માર્ગ પસંદ કરી રહી છે. ઈકવીટી માર્કેટ પ્રત્યે વધતી સમજ મોટો ભાગ ભજવે છે.