Mumbai,તા.29
વિશ્વ ચેસ ચેમ્પિયન ડી ગુકેશે ક્લચ ચેસ: ચેમ્પિયન્સ શોડાઉનના પ્રથમ દિવસે શાનદાર પ્રદર્શન કરીને લીડ હાંસલ કરી. આ એક શોર્ટ રેપિડ ટુર્નામેન્ટ છે જેમાં વિશ્વના ટોપ ખેલાડીઓ ગુકેશ, મેગ્નસ કાર્લસન, હિકારુ નાકામુરા અને ફેબિયાનો કારુઆના ભાગ લઈ રહ્યા છે. પહેલા રાઉન્ડમાં ગુકેશને કાર્લસન સામે 1.5-0.5થી હાર મળી પરંતુ તેણે શાનદાર વાપસી કરીને બીજા રાઉન્ડમાં નાકામુરાને 1.5-0.5થી હરાવ્યો અને ત્રીજા રાઉન્ડમાં કારુઆનાને 2-0થી હરાવ્યો. પહેલા દિવસના અંતે ગુકેશ 4માંથી 6 પોઇન્ટ સાથે ટોપ પર રહ્યો. ત્યારબાદ કાર્લસન 3.5, નાકામુરા 3 અને કારુઆના 1.5 પોઇન્ટ સાથે તેની પાછળ રહ્યા.
વાસ્તવમાં એક પ્રદર્શની મેચમાં હિકારુ નાકામુરાએ જીત પછી ગુકેશનો કિંગ પીસ(રાજા મોહરો) પ્રેક્ષકો તરફ ફેંક્યો હતો. તે ક્ષણ ખૂબ જ વિવાદમાં રહી હતી. પરંતુ આ વખતે ગુકેશે કંઈપણ કહ્યા વિના અને કોઈ પણ હાવભાવ વિના ગુકેશે બોર્ડ પર તે જ પ્રતિસ્પર્ધીને હરાવ્યો. સેન્ટ લુઇસમાં ચાલી રહેલ ‘ક્લચ ચેસ: ચેમ્પિયન્સ શોડાઉન’ના પહેલા દિવસે ભારતીય વિશ્વ ચેમ્પિયને નાકામુરાને 1.5-0.5થી હરાવી દીધો કે જવાબ હંમેશા શબ્દોથી જ નહીં પણ ચાલથી આપવામાં આવે છે.
થોડા અઠવાડિયા પહેલા બંને ખેલાડીઓ ‘ચેકમેટ: યુએસએ Vs ભારત’ નામની એક પ્રદર્શની મેચમાં આમને-સામને આવ્યા હતા. તે સમયે નાકામુરાએ જીત પછી ગુકેશનો કિંગ પીસ ઉઠાવીને તેને પ્રેક્ષકોમાં ફેંકી દીધો હતો, તેને બાદમાં એક નાટકીય કૃત્ય જણાવ્યું હતું. જો કે, તે સમયે ઘણા ચેસ પ્રેમીઓ અને ભારતીય ચાહકોએ તેને ખેલ ભાવના વિરુદ્ધ ગણાવ્યો હતો.
નાકામુરાએ બાદમાં સ્પષ્ટતા આપતા કહ્યું કે, ‘આ કોઈ અપમાન નહોતું. જો તે કોઈ ગંભીર ટુર્નામેન્ટ જેવા કેન્ડીડેટ્સમાં થયું હોત તો કોઈ પણ ખેલાડીએ આવું ન કર્યું હોત. પછી ભલે તે કાર્લસન હોય, હાન્સ નીમન હોય, અનિશ ગિરી હોય કે હું પોતે હોઉં.’ગુકેશે તેના પર કોઈ પ્રતિક્રિયા ન આપી અને શાંત રહ્યો. નાકામુરાએ મજાકમાં કહ્યું હતું કે, આગલી વખતે જ્યારે હારશે ત્યારે તે બોલિવૂડ ગીત ગાશે, પરંતુ ગુકેશે હંમેશાની જેમ સંયમ દેખાડ્યો.
ક્લચ ચેસ: ચેમ્પિયન્સ શોડાઉન 25થી 30 ઑક્ટોબર દરમિયાન મિસૌરી(યુએસએ)માં સેન્ટ લૂઇસ ચેસ ક્લબમાં રમાઈ રહી છે. તેમાં નવ રાઉન્ડ (કુલ 18 રમતો) હશે જે ડબલ રાઉન્ડ-રોબિનના રૂપમાં રમાશે. દરેક રાઉન્ડ સાથે પોઇન્ટ અને ઇનામની રકમ વધતી જશે, બીજા દિવસની મેચમાં ડબલ પોઇન્ટ આપવામાં આવશે.

