Rajkot તા.27
અરબી સમુદ્રમાં ફરી એક સાથે ત્રણ સિસ્ટમો કાર્યરત થઈ હોય છેલ્લા બે ત્રણ દિવસથી રાજયના અનેક ભાગોમાં મેઘરાજા ધમરોળી રહ્યા છે ત્યારે રાજકોટમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ હોય ગત રાત્રી દરમ્યાન તથા આજે સવારે ઝાપટા વરસી જતા રોડ-રસ્તાઓ ભીના થઈ ગયા હતા. તો સાથોસાથ પવનની ઝડપ વચ્ચે સતત ચોમાસુ માહોલ યથાવત રહેતા વાતાવરણ ઠંડુ થઈ ગયું હતું.
આ ચોમાસુ માહોલની અસર આજે શહેરની બજારોમાં પણ નજરે પડી હતી. વેપારીઓએ સવારે મુહૂર્ત કરી લીધા બાદ ખાસ કોઈ ગ્રાહકો ન હોય દુકાનો વધાવી લીધી હતી. દરમ્યાન આજે સવારના ભાગે શહેરમાં ઝાપટા વચ્ચે તાપમાન સાવ સામાન્ય થઈ ગયું હતું. આજે સવારે 8-30 કલાકે શહેરનું તાપમાન 24.2 ડિગ્રી તથા લઘુતમ તાપમાન 23 ડિગ્રી નોંધાયું હતું.
સવારે હવામાં ભેજ 95 ટકા રહ્યો હતો અને પવનની સરેરાશ ઝડપ 10 કી.મી. રહેવા પામી હતી. બપોરે 2-30 કલાક બાદ પણ શહેરમાં સવાર જેવું જ ચોમાસુ વાતાવરણ યથાવત રહ્યું હતું, અને પવન સાથે વાતાવરણ ઠંડુબોળ રહેવા પામ્યું હતું. આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ હોય શહેરમાં સાંજ સુધીમાં વરસાદની શકયતા રહેલી છે.

