Islamabad, તા.૯
લશ્કર-એ-તૈયબાના એક કમાન્ડર સૈફુલ્લાહ સૈફે એક વીડિયોમાં કહ્યું છે કે હાફિઝ સઈદ હવે બાંગ્લાદેશના રસ્તે ભારત પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યો છે.
આ વીડિયો ૩૦ ઓક્ટોબરના રોજ પાકિસ્તાનના ખૈરપુર તમીવાલીમાં યોજાયેલી રેલીનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં લશ્કર કમાન્ડર સૈફુલ્લાહ સૈફ સ્પષ્ટપણે બોલતો જોવા મળે છે કે “હાફિઝ સઈદ ચૂપ બેઠો નથી, તે બાંગ્લાદેશના રસ્તે ભારત પર હુમલાની તૈયારી કરી રહ્યો છે.”
તેણે દાવો કર્યો કે પૂર્વીય પાકિસ્તાન એટલે કે બાંગ્લાદેશમાં તેના લોકો સક્રિય છે અને ભારતને જવાબ આપવા માટે તૈયાર છે. રેલી દરમિયાન સૈફુલ્લાહે જણાવ્યું કે એક સહયોગીને બાંગ્લાદેશ મોકલવામાં આવ્યો છે, જે ત્યાંના સ્થાનિક યુવાનોને જિહાદના નામે તૈયાર કરી રહ્યો છે અને તેમને આતંકવાદી તાલીમ આપી રહ્યો છે. બાંગ્લાદેશ હવે એક પ્રકારનું “લોન્ચપેડ” બની રહ્યું છે, જેનો ઉપયોગ ભારત વિરુદ્ધ ષડયંત્રો માટે થઈ શકે છે.
વીડિયોમાં બાળકોની હાજરી પણ જોવા મળે છે. સૈફુલ્લાહના ભાષણ દરમિયાન અનેક બાળકો પણ હાજર હતા, જેનાથી એવો સંદેશ ગયો કે કેટલાક આતંકવાદી સંગઠનો બાળકોને પણ મોટા-નાના કરીને પોતાના એજન્ડા માટે ઉપયોગ કરી રહ્યા છે. વીડિયોના આધારે એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાની આતંકવાદી સંગઠનો બાળકોને જિહાદી વિચારો તરફ વાળી રહ્યા છે.
સૈફુલ્લાહે પોતાના ભાષણમાં પાકિસ્તાની સેનાની પ્રશંસા પણ કરી અને કહ્યું કે ૯-૧૦ મેની રાત પછી પાકિસ્તાને જવાબ આપ્યો, જ્યારે અમેરિકા અને બાંગ્લાદેશ પણ કથિત રીતે પાકિસ્તાનની નજીક આવી રહ્યા છે – આ પણ તેના દાવાનો ભાગ રહ્યો.

