Rajkot, તા. 7
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્ર ગીત વંદે માતરમના 150 વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે વક્તવ્ય તેમજ વંદે માતરમ રાષ્ટ્ર ગીતનું સમુહ ગાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પૂરા દેશમાં સરકારી કચેરીઓ અને ભાજપ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પરંતુ રાજકોટ મનપા ખાતે કાર્યક્રમમાં ભાજપના અર્ધાથી વધુ કોર્પોરેટરો કોઇને કોઇ કારણોથી ગેરહાજર રહ્યાનું બહાર આવ્યું છે. વધુમાં આ ગૌરવવંતા કાર્યક્રમમાં ભાઇઓ કરતા બહેનોની હાજરી વધુ હતી. તો અધિકારીઓ અને કર્મચારીઓએ પણ પ્રાંગણમાં આવીને સ્વદેશી માટેના શપથ લીધા હતા.
આમ તો માત્ર રાજકીય લોકો નહીં પરંતુ કર્મચારીઓ કે સામાન્ય લોકોના એક મોટા વર્ગને પણ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન વચ્ચેનો ફર્ક યાદ નથી હોતો અથવા માલુમ નથી હોતો. ચૂંટાયેલા લોકો અને પગારદારોને પૂરતું જ્ઞાન હોતું નથી.
આથી કોર્પો., કલેકટર, પોલીસ, શિક્ષણ સંસ્થાઓ, બહુમાળી સહિતની કચેરીઓમાં આગલા દિવસે રાષ્ટ્રગીતની લેખિત સ્ક્રીપ્ટ પણ તૈયાર કરીને હાથ પર રાખવાની સૂચના આપવામાં આવી હતી!
કેન્દ્ર અને રાજ્ય સરકારમાંથી આ કાર્યક્રમ આવ્યો હોય, દરેક કચેરીની જેમ મનપામાં આજે કામકાજનો સમય એક કલાક વહેલો કરવામાં આવ્યો હતો. મેયરના અધ્યક્ષસ્થાને સમગ્ર કાર્યક્રમ હતો. 9.30 વાગ્યાના કાર્યક્રમમાં પાંચેય પદાધિકારીઓ અને ઘણા સીનીયર-જુનીયર નગરસેવકો હાજર હતા. પરંતુ અર્ધાથી વધુ સભ્યોની ગેરહાજરી હતી.
ઘણા બહારગામ અને અમુક અન્ય કામમાં વ્યસ્ત હોવાનું કહેતા હતા. તો ઘણા સીધા કમલમ પહોંચ્યા હતા. ગઇકાલે ફોનથી અને વોટસએપથી પણ કોર્પોરેટરોને આ કાર્યક્રમમાં હાજરી આપવા સંદેશા અપાયા હતા. પરંતુ અનેક કાર્યક્રમોની જેમ આજે પણ ઘણા નગરસેવકોએ ધકકો ખાધો ન હતો!
આ અવસરે કાર્યક્રમના અધ્યક્ષ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે, સુજલામ સુફલામ મલયજશીતલામ શસ્યશ્યામલામ માતરમ વંદે માતરમ… આ માત્ર શબ્દો નથી, પણ ભારતીયતાનો આત્મા છે. આજે આપણે એ જ અમર રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ની રચનાના 150મા વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ.
આ ગીત માત્ર એક ગીત નથી, પરંતુ તે આપણી માતૃભૂમિ પ્રત્યેના પ્રેમ, ભક્તિ અને સમર્પણનો પવિત્ર મંત્ર છે. આ ગીતે લાખો લોકોને બલિદાન આપવાની પ્રેરણા આપી હતી. પદાધિકારીઓ, કોર્પોરેટરો, અધિકારીઓ, કર્મચારીઓએ સ્વદેશી સંકલ્પ માટેના શપથ લીધા હતા.
આ કાર્યક્રમમાં ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે.ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, કોર્પોરેટરો, ડે. કમિશનર મહેશ જાની, ચેતન નંદાણી, હર્ષદ પટેલ તથા અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મ્યુનિ. કમિશ્નર આજે ગાંધીનગર મીટીંગમાં હોવાથી આ કાર્યક્રમમાં જોડાઇ શકયા ન હતા.
આ કાર્યક્રમમાં વધુમાં વધુ કર્મચારીઓ અને ચૂંટાયેલા લોકો સામેલ થાય તે માટે સરકારે ખાસ પરિપત્રથી કચેરી ખુલવાનો અને પૂરી થવાનો સમય એક કલાક વહેલો કર્યો હતો. બંને પાંખમાં સુચનાઓ આપવામાં આવી હતી. દર વર્ષે સ્વાતંત્ર દિન અને પ્રજાસત્તાક પર્વે પણ આવો જ રાષ્ટ્રપ્રેમ સાથેનો કાર્યક્રમ યોજવામાં આવે છે. તેમાં પણ કોર્પોરેટરોની ગેરહાજરીની ચર્ચા થતી હોય છે.
આજે હવે પ્રથમ વખત રાષ્ટ્રગીત માટેનો કાર્યક્રમ આવ્યો હતો. તેમાં ઘણા નગરસેવકો ન જોડાતા આજે પણ મહાપાલિકાથી માંડી કમલમ સુધી ચર્ચાઓ ચાલી હતી. હવે કોર્પો.ની ચૂંટણીને થોડો સમય બાકી રહ્યો છે. મતદાર યાદીનું કામ પુરૂ થાય એ બાદ જ ચૂંટણી યોજાય તો ચૂંટણી જંગમાં ઉતરવા માટે શાસક પક્ષ માટે ઓછો સમય છે. આથી હવે વિસ્તારથી માંડી કોર્પો. અને કાર્યાલયમાં પૂરા કાર્યક્રમોમાં હાજરી આપવાનો પ્રયાસ અગાઉ પણ સંગઠનમાંથી સૂચનાઓ આપવામાં આવી છે તે ઉલ્લેખનીય છે.

