Junagadh તા. ૨૪
જુનાગઢ માટે આ ચોમાસુ અને ખાસ કરીને ગઈકાલના વરસાદ બાદ ખુશીના સમાચાર એ આવ્યા છે કે, જુનાગઢ જિલ્લાને પાણી પૂરું પાડતો જિલ્લાનો સૌથી મોટો હસનાપુર ડેમ ઓવરફ્લો થઈ જવા પામ્યો છે. જો કે, જૂનાગઢ જિલ્લાના ૧૧ જળાશયો પણ છેલ્લો ભરાઈ ગયા છે. પરંતુ હસનાપુર ડેમ સંપૂર્ણ ભરાઈ જતા, જૂનાગઢને ૩ વર્ષ ચાલે તેટલો પાણીનો સંગ્રહ થઈ જતા જુનાગઢ માટે આ ખુશીના સમાચાર છે.
જુનાગઢ જિલ્લામાં આવેલ ૯ તાલુકામાં એકાદ બેને બાદ કરતાં મોટા ભાગના તાલુકામાં ૯૦ ટકા આસપાસ વરસાદ થઈ જવા પામ્યો છે. જેના કારણે જૂનાગઢ જિલ્લામાં આવેલ ૧૧ જળાશયો ભરાઈ ગયા હતા. અને અમુક ડેમો બે થી ત્રણ વખત અવર ફ્લો પણ થઈ જવા પામ્યા હતા. પરંતુ જુનાગઢ જિલ્લાનો સૌથી મોટો હસનાપુર ડેમ ભરાયો ન હતો.
દરમિયાન ગઈકાલે જુનાગઢના જંગલ વિસ્તારમાં માત્ર ત્રણથી ચાર કલાકમાં ૪ ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકી જતા, ગઈકાલે જુનાગઢનો ડેરવાણ ગામ પાસે આવેલા હસનાપુર ડેમ ઓવરફ્લો થયો હોવાના ખુશીના સમાચાર જુનાગઢ માટે પ્રાપ્ત થયા છે.