આ બનાવમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સગીર સહિત ત્રણ વિધર્મી શખ્સોની ધરપકડ કરી છે
Junagadh, તા.૨૪
નવરાત્રિની મોસમ પૂરબહારમાં ખીલી રહી છે અને દાંડિયા ક્લાસીસમાં યુવક-યુવતીઓ પ્રેક્ટિસ માટે મોટી સંખ્યામાં જઈ રહ્યા છે. ત્યારે વાલીઓ માટે લાલબત્તી સમાન એક કિસ્સો જૂનાગઢમાં સામે આવ્યો છે.
શહેરના ખલીલપુર રોડ પર આવેલા એક દાંડિયા ક્લાસની બે યુવતીઓ સાથે મોડી રાત્રે અભદ્ર વર્તન અને છેડતીનો બનાવ બન્યો છે. આ બનાવમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સગીર સહિત ત્રણ વિધર્મી શખ્સોની ધરપકડ કરી છે.
જુનાગઢના ડિવિઝનલ ડી.વાય.એસ.પી. હિતેશ ધાંધલ્યાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે આશરે ૮ વાગ્યાની આસપાસ ખલીલપુર રોડ પર આવેલા ગોલ્ડન ફાર્મ નજીકના દાંડિયા ક્લાસમાં બે યુવતીઓ બહાર ઊભી હતી. તે સમયે બે ઈસમો, શેહફાઝ ઇકબાલ સુમરા અને આમીર રફીકભાઈ, પોતાની ઈ-બાઈક પર ત્યાંથી નીકળ્યા હતા અને આ યુવતીઓ સામે અયોગ્ય ઈશારા કર્યા હતા
આ બંને શખ્સોએ બેથી ત્રણ વાર આ જ રૂટ પરથી પસાર થઈને હેરાનગતિ કરતા યુવતીઓએ હિંમત કરીને તેમને રોકીને પૂછ્યું કે ‘તમે વારંવાર અહીંથી કેમ પસાર થાઓ છો અને અમારી સામે કેમ જુઓ છો?’ આ પ્રશ્નથી ઉશ્કેરાઈને બંને આરોપીઓએ યુવતીઓ સાથે માથાકૂટ શરૂ કરી અને ધમકી આપવા લાગ્યા. તે સમયે અન્ય એક સગીર વયનો ઈસમ પણ ત્યાં પહોંચી ગયો હતો. આ ત્રણેય ઈસમોએ યુવતીઓની છેડતી કરી હતી
એક જાગૃત નાગરિકે આ ઘટનાની જાણ પોલીસ કંટ્રોલ રૂમને કરતા પોલીસ વાહન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા અને તેમને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. યુવતીઓએ હિંમતભેર ફરિયાદ નોંધાવતા પોલીસે શેહફાઝ ઇકબાલ સુમરા, આમીર રફીકભાઈ, અને એક સગીર વિરુદ્ધ છેડતી અને અભદ્ર વર્તનનો ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરી છે
ડી.વાય.એસ.પી. હિતેશ ધાંધલ્યાએ આ ઘટના બાદ જૂનાગઢના તમામ નાગરિકો, ખાસ કરીને દાંડિયા ક્લાસના સંચાલકો, નવરાત્રિના આયોજકો, યુવતીઓ અને બહેનોને એક મહત્વપૂર્ણ અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, “આવા પ્રકારની માનસિકતા ધરાવતા ઈસમો આપની આજુબાજુ હોય તો કોઈપણ પ્રકારનો ડર કે સંકોચ રાખ્યા વગર પોલીસના ૧૦૦ નંબર, ડાયલ ૧૧૨, અથવા અભયમ ૧૮૧ પર સંપર્ક કરીને જાણ કરવી જોઈએ. જેથી આવા તત્વો સામે કડક કાર્યવાહી કરી શકાય.