Dubai,તા.15
ભારે વિવાદ વચ્ચે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલી એશિયા કપની મેચમાં ભારતે 7 વિકેટથી ભવ્ય જીત મેળવી છે. આ મેચમાં ભારતીય ટીમના બોલર્સે તોફાની પ્રદર્શન કરી પાકિસ્તાનના બેટર્સને ઘૂંટણિયે લાવી દીધા હતા. આજની જીતમાં ગુજરાતી ખેલાડીઓએ મુખ્ય ભૂમિકા ભજવી. હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલે પાકિસ્તાનના બેટર્સની કમર તોડી નાખી. આ ત્રણેય ખેલાડીઓએ મળીને પાકિસ્તાનની 5 વિકેટ ઝડપી હતી.
હાર્દિક પંડ્યાએ ટીમ ઇન્ડિયાને પહેલી સફળતા અપાવી હતી. તેનો જન્મ 11 ઓક્ટોબર 1993ના રોજ ચોર્યાસી (ગુજરાત)માં થયો હતો. ભારતને બીજી સફળતા અપાવનારા જસપ્રીત બુમરાહનો જન્મ 6 ડિસેમ્બર 1993ના રોજ અમદાવાદમાં થયો હતો, જ્યારે અક્ષર પટેલનો જન્મ 20 જાન્યુઆરી 1994ના રોજ આણંદમાં થયો હતો. પાકિસ્તાની ટીમે ભારત સામે 9 વિકેટ ગુમાવીને 127 રન બનાવ્યા. દુબઈમાં પાકિસ્તાને ગુમાવેલી મોટાભાગની વિકેટ આ ગુજરાતી ખેલાડીઓએ લીધી હતી. હાર્દિકે મેચમાં 1 વિકેટ મેળવી, જ્યારે બુમરાહ અને અક્ષરે 2-2 વિકેટ મેળવી.
હાર્દિક પંડ્યાએ પહેલા જ બોલ પર પાકિસ્તાનના સાઇમ ઐયુબની વિકેટ લીધી. બુમરાહે ઐયુબનો કેચ પકડ્યો. આ પછી, બીજી જ ઓવરમાં, બુમરાહે મોહમ્મદ હરિસ (3) ની વિકેટ લીધી અને હાર્દિકે કેચ પકડ્યો. આમ પાકિસ્તાને ગુજરાતી ખેલાડીઓ સામે 6 રનના સ્કોર પર 2 વિકેટ ગુમાવી દીધી.જે પછી પાંચમી વિકેટ કુલદીપ યાદવે હસન નવાઝ (5) ની લીધી. વિકેટ ભલે કુલદીપે લીધી, પણ કેચ ગુજરાતી અક્ષર પટેલે પકડ્યો હતો. આ પછી, બીજા જ બોલ પર કુલદીપ યાદવે મોહમ્મદ નવાઝ (0) ને LBW આઉટ કર્યો. ત્યાર બાદ કુલદીપે સાહિબઝાદા ફરહાન વિકેટ લીધી, પરંતુ કેચ ફરી એકવાર ‘ગુજરાતી’ પંડ્યાએ લીધો. ત્યાર બાદ જસપ્રીત બુમરાહે પાકિસ્તાની ટીમની નવમી વિકેટ લીધી.
ખરાબ શરૂઆત બાદ ફરહાન અને ફખર ઝમાને મેચ સંભાળવાનો પ્રયાસ કર્યો. પરંતુ અક્ષર પટેલે 8મી ઓવરના ચોથા બોલ પર ફખર ઝમાન (17) ને આઉટ કર્યો, જે પાકિસ્તાનનો ત્રીજો ઝટકો હતો. ત્યાર બાદ અક્ષરે 10મી ઓવરના છેલ્લા બોલ પર પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગાની (3) વિકેટ લીધી. આ રીતે, 10મી ઓવરમાં પાકિસ્તાનનો સ્કોર 49/4 થઈ ગયો. એકંદરે, અક્ષર પટેલે પાકિસ્તાનની કમર તોડી નાખી.