Gandhinagar,તા.૨૯
ગુજરાત સરકારમાં આજે મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી રચાયેલી કેબિનેટની પ્રથમ બેઠકમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીને સરકારના નવા પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી સોંપી છે.
જીતુ વાઘાણી માટે આ ભૂમિકા નવી નથી. તેઓ અગાઉ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારમાં પણ પ્રવક્તા મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. વાઘાણીનો પ્રદેશ અધ્યક્ષ અને મંત્રી તરીકેનો તથા મીડિયા સાથેનો સંવાદનો અનુભવ સરકાર માટે ઉપયોગી બનશે એવી ધારણા છે.
બીજી તરફ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ આ વખતે પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. હર્ષ સંઘવી રાજ્યના ગૃહ, રમતગમત, યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગો સંભાળી રહ્યા હતા. તમામ મહત્વના ખાતા હવે તેઓ પાસે છે. પ્રવક્તા તરીકેની નવી ભૂમિકા મળતાં સરકારની નીતિઓ, નિર્ણય અને કાર્યક્રમો જનતા સુધી વધુ અસરકારક રીતે પહોંચાડવાની જવાબદારી હવે તેમની પર રહેશે.
આ પહેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ સરકારના પ્રવક્તા તરીકે કાર્યરત હતા. હવે આ ટીમમાં ફેરફાર કરી નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, આ ફેરફારનો હેતુ સરકારના સંદેશવ્યવહારને વધુ ગતિશીલ અને સુવ્યવસ્થિત બનાવવાનો છે.
પ્રવક્તા મંત્રીઓની ટીમ સામાન્ય રીતે રાજ્ય સરકારના નિર્ણયો, યોજનાઓ અને નીતિઓ અંગે મીડિયા અને જનતા સમક્ષ સ્પષ્ટતા કરે છે. તેથી આ ટીમને રાજકીય અને વહીવટી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
જીતુ વાઘાણીનો દક્ષિણ સૌરાષ્ટ્રમાં મજબૂત સંપર્ક અને સંગઠનાત્મક અનુભૂતિ સાથે હર્ષ સંઘવીનો યુવા અને ઊર્જાવાન અભિગમ સરકારને નવો સંતુલિત પ્રવક્તા પેનલ આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બંને મંત્રીઓને નવી જવાબદારી આપતાં કહ્યું છે કે સરકારની યોજનાઓનો સાચો સંદેશ લોકો સુધી પહોંચે તે તેમની પ્રાથમિકતા રહેશે.

