Jamnagar તા.6
જામનગર શહેરમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ પરંપરા મુજબ હર્ષિદા માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ અને હર્ષિદા ગરબા મંડળના સંયુક્ત ઉપક્રમે જામનગર શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના ગરબી મંડળોમાં ગરબે રમતી તમામ બાળાઓ તથા બટુકો માટે સમુહ મહાપ્રસાદનુ આયોજન કરાયું હતું. જેમાં સૌરાષ્ટ્ર ગુજરાતની સુપ્રસિધ્ધ યાત્રાધામોના સંતો મહંતો સહિત શહેરના અગ્રણીઓ અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
શહેરમાં હર્ષિદા માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ અને હર્ષિદા ગરબા મંડળ દ્વારા તા. 5નેરવિવારના વિશા શ્રીમાળી સોની સમાજની વાડી, ખંભાળીયા નાકા બહાર, દ્વારકાપુરી રોડ પર મંડળ દ્વારા બાળાઓના મહાપ્રસાદ યોજાયો હતો. જેમાં શહેરના બાળકો તેમજ ગરબી મંડળના સંચાલકો, સેવાભાવિ કાર્યકરો તથા ધર્મપ્રેમી જનતાને મહાપ્રસાદ જમાડવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ગુજરાતની અલગ-અલગ ધાર્મિક જગ્યાના સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતાં. અને બાળાઓને ભારતીય બેઠકમાં શિસ્તબધ કતારોમાં બેસાડી માતાજીનો મહાપ્રસાદ અપાયો હતો.
આ ઉપરાંત શહેરી વિસ્તારમાં અભ્યાસ કરતી આશરે 50 જેટલી શાળાઓની બાળાઓએપણ મહાપ્રસાદનો લાભ લીધો હતો. ઉપરાંત મંડળ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કટારીયાવારા વાછરાદાદાની જગ્યાએ સવારથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવામાં મંડળના સંચાલક રાજુભાઈ જોષી, નટવરસિંહ પઢીયાર, ભરતભાઈ ચૌહાણ, સંદિપ મકવાણા, મુકેશભાઈ ચૌહાણ, સમિર વાસુ સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.