Lucknow,તા.૧૦
યુપીના હાથરસ જિલ્લામાં એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. અહીં એક અનિયંત્રિત ટ્રકે મુસાફરોથી ભરેલા ટાટા મેજિકને ટક્કર મારી હતી. અકસ્માતને પગલે સ્થળ પર અરેરાટી ફેલાઈ ગઈ હતી. સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી લોકોને બહાર કાઢ્યા હતા. આ માર્ગ અકસ્માતમાં ૭ લોકોના મોત થયા છે, જ્યારે ૧૩થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. મૃતકોમાં બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે ટાટા મેજિકમાં મુસાફરી કરી રહેલા તમામ લોકો હાથરસના કુમરાઈ ગામથી એટાના નાગલા ઈમલિયા ગામ જઈ રહ્યા હતા. દરમિયાન આ અકસ્માત પોલીસ સ્ટેશન કોતવાલી હાથરસ જંકશન વિસ્તારના સલેમપુર પાસે થયો હતો.
હાથરસ જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ કુમારે પણ માહિતી મળ્યા બાદ મામલાની નોંધ લીધી છે. ઘટના અંગે માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે ચાંદપા ગામ પાસે પીકઅપ અને કુરિયર ટેન્કર વચ્ચે અથડામણ થઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ૭ લોકોના મોત થયા છે. મૃતકોમાં ત્રણ મહિલા, ત્રણ પુરૂષ અને એક બાળકનો સમાવેશ થાય છે. ઘાયલોમાં ૬ લોકોને રેફર કરવામાં આવ્યા છે, જ્યારે ૭ લોકોની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટના ધ્યાને આવ્યા બાદ ટ્રાફિક ખુલ્લો કરાયો છે. આ ઉપરાંત મૃતકોના મૃતદેહને પણ આગોતરી કાર્યવાહી માટે મોકલી દેવામાં આવ્યા છે, જ્યારે ઘાયલોને પણ સારવાર આપવામાં આવી રહી છે.
દુર્ઘટના બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પોસ્ટ કરીને શોક વ્યક્ત કર્યો છે. સીએમ યોગીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું છે કે, ’હાથરસ જિલ્લાના મથુરા-કાસગંજ હાઈવે પર એક માર્ગ અકસ્માતમાં જાનહાનિ અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને રાહત કાર્ય ઝડપથી હાથ ધરવા અને ઘાયલોને યોગ્ય સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા સૂચના આપવામાં આવી છે. ભગવાન શ્રી રામ દિવંગત આત્માઓને તેમના ચરણોમાં શાંતિ અર્પે અને ઘાયલોને ઝડપથી સાજા કરે તેવી પ્રાર્થના છે.