America,તા.06
ભારત-રશિયાની વ્યૂહનીતિને લઈને અમેરિકાના પૂર્વ પેંટાગન અધિકારીએ પોતાના જ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર કટાક્ષ કર્યા છે. તેમણે કહ્યું કે, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને નવી દિલ્હીમાં જે ઉષ્માભર્યું સન્માન મળ્યું, તેનો શ્રેય રશિયા નહીં પરંતુ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જાય છે. ટ્રમ્પ જ ભારત અને રશિયાને એકબીજાથી વધુ નિકટ લઈ ગયા અને તેના માટે તેમને નોબેલ પુરસ્કાર મળવો જોઈએ.
રૂબિને કહ્યું કે, પુતિનની ભારત યાત્રામાં મૉસ્કોની દ્રષ્ટિએ ખૂબ જ સકારાત્મક રહી અને ભારત દ્વારા આપવામાં આવેલું સન્માન દુનિયામાં ક્યાં બીજે જોવા નથી મળ્યું. મારો તર્ક છે કે, ભારત અને રશિયાને જે પ્રકારે ડોનાલ્ડ ટ્રમ્પ એકબીજાની નજીક લાવ્યા, તે માટે તેઓ નોબેલ પુરસ્કારના હકદાર છે.
આ વિશે વધુ વાત કરતા રૂબિને જણાવ્યું કે, અમેરિકામાં આ ઘટનાક્રમને લઈને બે એકદમ અલગ દ્રષ્ટિકોણ છે. જો તમે ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક છો, તો તમે તેને ‘મેં કહ્યું હતું ને..’ વાળા ચશ્માથી જુએ છે. પરંતુ, જો તમે 65 ટકા અમેરિકનમાંથી એક છો, જે ટ્રમ્પને પસંદ નથી કરતા તો તમને આ બધું ટ્રમ્પની વ્યૂહનીતિની અક્ષમતાનું પરિણામ લાગશે. ટ્રમ્પે ભારત-અમેરિકાના સંબંધોને પાછળ ધકેલી દીધા છે અને અનેક એવા નિર્ણય લીધા જેના પર પાકિસ્તાન, તુર્કીયે અને કતર જેવા દેશોની ચાપલુસી અથવા કથિત પ્રલોભનોથી પ્રભાવિત હોય તેવું લાગે છે.
રુબિનના મતે, વોશિંગ્ટનના ઘણા નિષ્ણાતો આશ્ચર્યચકિત છે કે ટ્રમ્પે કેવી રીતે વધતી જતી અમેરિકા-ભારત વ્યૂહાત્મક ભાગીદારીને નબળી પાડી છે. ટ્રમ્પ ક્યારેય આ સ્વીકારશે નહીં, પરંતુ ભારત-રશિયાની નિકટતાનો ઉપયોગ તેમની વિદેશ નીતિની દૂરદર્શિતા સાબિત કરવા માટે કરશે.પુતિનના ભારતને સતત ઊર્જા પુરવઠાના વચન પર ટિપ્પણી કરતા રુબિને કહ્યું કે, અમેરિકા ભારતની ઊર્જા જરૂરિયાતો અને વ્યૂહાત્મક આવશ્યકતાઓને સમજવામાં સતત નિષ્ફળ રહ્યું છે. ભારતીયોએ નરેન્દ્ર મોદીને ભારતીય હિતોનું પ્રતિનિધિત્વ કરવા માટે ચૂંટ્યા છે. ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે, ટૂંક સમયમાં ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનવાનું છે અને તેને ઊર્જાની જરૂર છે, તેથી અમેરિકાએ ભારતને ભાષણ આપવાનું બંધ કરવું જોઈએ. જ્યારે વિકલ્પો મર્યાદિત હોય છે ત્યારે અમેરિકા પણ રશિયા પાસેથી ઊર્જા ખરીદે છે. જો અમેરિકા ઇચ્છતું નથી કે ભારત રશિયન ઇંધણ ખરીદે, તો તે ભારતને સસ્તું અને પૂરતું ઇંધણ પૂરું પાડવા માટે શું કરી રહ્યું છે? જો આપણી પાસે કોઈ વિકલ્પ નથી, તો ચૂપ રહેવું શ્રેષ્ઠ રહેશે, કારણ કે ભારતે તેની સુરક્ષા અને જરૂરિયાતોને પ્રથમ રાખવી પડશે.

