Vadodara,તા.10
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ હસ્તકના 40 અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટરના ક્ષેત્રિય કર્મચારીઓ દ્વારા હાલમાં હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ અંતર્ગત યુનિક હેલ્થ આઈડી ડિજિટલ હેલ્થ રેકોર્ડ માટે સર્વેની કામગીરી કરવામાં આવી છે.
વડોદરા કોર્પોરેશનના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ઇન્ટીગ્રેટેડ હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો હતો. આ સિસ્ટમથી ડોક્ટર, દર્દી, લેબોરેટરી, ફાર્મસી તમામનું ડિજિટલ સંકલન થશે. દરેક નાગરિકને પોતાનો યુનિક હેલ્થ આઈડી નંબર મળશે. જેમાં નાગરિકોના આરોગ્યને લગતી તમામ માહિતી હશે. નાગરિકોને પોતાનો હેલ્થ આઈડી નંબર ક્યારે અને કેવી રીતે મળશે તે પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થયા પછી જણાવશે. આ નંબર મળ્યા બાદ સારવાર માટે જૂની ફાઈલો અને કેસ પેપર શોધવાની જરૂર નહીં રહે. તમામ માહિતી ઓનલાઇન હશે. નાગરિકો પોતાને મળેલ દરેક સારવાર, લેબોરેટરીના રિપોર્ટ, પોતાના પરિવારની માહિતી, ઓનલાઇન જોઈ શકશે. આ પ્રોજેક્ટ હેઠળ મળેલા ઇન્ટીગ્રેટેડ ડેટા જેમ કે વિસ્તાર મુજબ વિવિધ બીમારીનું જોખમ, પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો વિશેનું પ્લાનિંગ, જન્મેલા બાળકોની સંખ્યા, સગર્ભા મહિલાઓને મળતા લાભો, રસીકરણ, હેલ્થ સેન્ટરમાં દવાઓનો સ્ટોક વગેરેની માહિતી પણ અધિકારીઓ મેળવી શકશે. લોકો ઘેર બેઠા પણ પોતાના ડોક્યુમેન્ટ અપડેટ કરી શકશે. ડોક્ટર પાસે જશે ત્યારે ભૂતકાળમાં પોતાને થયેલા કોઈ રોગ વિશેની અને કઈ કઈ દવા લીધી હતી તેની માહિતી ડોક્ટરને ઓનલાઇન પોતાના આઈડી નંબરથી આપી શકશે. દર્દીઓને જુની ફાઈલો અને રેકોર્ડ રાખીને ફરવું નહીં પડે. હાલ શહેર વિસ્તારના વોર્ડમાં ઘેર ઘેર ફરતા આરોગ્ય વિભાગના કર્મચારીઓને લોકોને સહયોગ આપવા જણાવાયું છે. કર્મચારીઓને આઈડી કાર્ડ પણ અપાયા છે. જેથી લોકોને કર્મચારીઓ કોર્પોરેશન હોવાનો વિશ્વાસ બેસે, તેમ મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા જણાવાયું છે.