Morbi,તા.૬
મોરબીના નવલખી રોડ પર આવેલા લાયન્સ નગરમાં રહેતા યુવાને આપઘાત કરીને મોત વ્હાલુ કર્યું છે. લિન ઈન રિલેશનસિપમાં સાથે રહેતી મહિલા પાછી ગયા બાદ પરત ન આવતા યુવકે હતાશામાં અંતિમ પગલું ભર્યું. યુવકે સોશિયલ મીડિયામાં લાઈવ કરીને પ્રેમિકાની નજર સામે જ આપઘાત કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, હિતેશભાઈ મનસુખભાઈ ધમાલ (૨૬) નામના યુવાને આપઘાત કર્યો છે. મૃતક યુવાને આપઘાત કરતા પહેલા મૈત્રી કરાર કરીને સાથે રહેનાર મહિલાને ફોન કર્યો હતો. સાથે જ લાઈવ આપઘાતનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં એક તરફ મહિલા દેખાઈ રહી છે, તો બીજી તરફ યુવક ફોન પર ગળે ફાંસો ખાઈ રહ્યો છે. ત્યારે યુવાનનના આપઘાતમાં બનાવની બી ડિવિજન પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મોરબીનો રહેવાસી યુવક હિતેશ દમાલ અમદાવાદમાં ફર્નિચરનું કામ કરતો હતો. જ્યાં ત્રણ મહિલા પહેલા તેનો સંપર્ક મૂળ કાલાવાડની યુવતી સાથે થયો હતો. આ યુવતી ડિવોર્સી હતી. બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. જેના બાદ હિતેશ અને યુવતી મૈત્રી કરાર કરીને મોરબીના લાયન્સ નગર વિસ્તારમાં રહેતા હતા.
હિતેશ ધમાલના પરિવારજનો પણ આ વાત જાણતા હતા. તેથી તેઓએ યુવતીને સ્વીકારી હતી. આ મામલે યુવકના માતા કમળાબેને કહ્યું કે, હિતેશ મારા ત્રણ સંતાનોમાં મોટો દીકરો હતો. તેણે અમને મૈત્રી કરાર અંગે જાણ કરી હતી, જેના તેઓ મોરબી આવીને રહેતા હતા. યુવતીને અમે કપડા અને રૂપિયા પણ આપ્યા હતા. એક મહિના સુધી તો બંને વચ્ચે સારું ચાલ્યું હતું, પરંતુ બાદમાં તેણે મારા દીકરા પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. યુવતીને અમારો પરિવાર ગમતો ન હતો, તેથી તેણે યુવકને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
માતાએ કહ્યું કે, યુવતી મારા દીકરા પાસેથી ઘરનું બધુ કામ કરાવતી હતી. એક દિવસ તેને મારો દીકરો મૂકી આવ્યો હતો, તેના બાદથી તે પાછી આવી ન હતી. મારો દીકરો બહુ જ રડ્યો હતો. તે મરી જવાની વાતો કરતો હતો. હું થોડીવાર બહાર ગઈ, ત્યારે મારા દીકરાએ આવું પગલુ ભર્યું હતું.

