New Delhi,તા.28
સંસદના ચોમાસુ સત્રનું પ્રથમ સપ્તાહ ધાંધલ ધમાલ સાથે ભાગ્યે જ કોઈ કામકાજ પૂરૂ થયા બાદ આજથી જ લોકસભામાં અને આવતીકાલથી રાજયસભામાં શરૂ થનાર ઓપરેશન સિંદૂરની ચર્ચા પણ જબરી આક્ષેપભરી બની રહે તેવા સંકેત છે.
લોકસભામાં 16 કલાક અને રાજયસભામાં 9 કલાકની ચર્ચાનો સમય ફાળવવામાં આવ્યો છે જેમાં આજે સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહ ચર્ચાનો પ્રારંભ કરશે અને બાદમાં ગૃહમંત્રી અમિત શાહ ચર્ચાનો જવાબ વાળશે જયારે વિદેશમંત્રી શ્રી એસ.જયશંકર ચર્ચામાં દરમ્યાનગીરી કરશે.
આમ સરકાર તરફથી ત્રણ મોટામંત્રીઓને જવાબદારી સોંપાઈ છે જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અથવા આવતીકાલે ચર્ચામાં દરમ્યાનગીરી કરી શકે છે. અને સૌની નજર તેમના પર છે વિપક્ષ દ્વારા ખાસ કરીને ઓપરેશન સિંદૂરમાં અચાનક જ યુધ્ધ વિરામ અને તેમાં જે રીતે અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મે યુધ્ધવિરામ કરાવ્યું છે તે મુદા પર પશ્ચિમી દેશોના મીડીયા રીપોર્ટ મુજબ ભારતે લડાયક વિમાનો ગુમાવ્યા તે સહિતના મુદે સરકારને ઘેરવાની કોશીષ કરશે.
તો બીજી તરફ વિપક્ષ તરફથી લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને રાજયસભામાં વિપક્ષી નેતા મલ્લીકાર્જૂન ખડગે અને અનેક વિપક્ષી નેતાઓ આ પ્રશ્ને સરકારને ઘેરવા કોશીષ કરશે અને તે વચ્ચે જબરી ધમાલ થવાની શકયતા છે.
જો કે સરકારે અગાઉ જ સંસદમાં એક જવાબમાં સ્પષ્ટ કર્યુ છે કે, યુધ્ધવિરામમાં અમેરીકી પ્રમુખની કોઈ ભૂમિકા નથી પરંતુ જે રીતે ટ્રમ્પ સતત દાવો કરી રહ્યા છે તે પછી બન્ને ગૃહોમાં તે મુદ્દે ધમાલ નિ્શિચત છે.