Europeતા.23
વર્ષ 2024માં ઉનાળામાં યુરોપમાં ગરમી સંબંધિત કારણોસર 62,700 લોકોના મોત થયા હતા. નેચર મેડિસિન મેગેઝીનમાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, વૃદ્ધો અને મહિલાઓ સૌથી વધુ પ્રભાવિત થયા હતા.
બાર્સેલોના ઇન્સ્ટિટ્યૂટ ફોર ગ્લોબલ હેલ્થના એક અભ્યાસમાં, 32 યુરોપિયન દેશોના મૃત્યુના રેકોર્ડનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. 2024ના ઉનાળામાં મૃત્યુદર ગયા વર્ષની સરખામણીમાં 23% વધ્યો છે.
આ અભ્યાસ બાર્સેલોના ઇન્સ્ટિટ્યૂટ ફોર ગ્લોબલ હેલ્થ દ્વારા કરવામાં આવ્યો હતો. સંશોધકોએ 32 યુરોપિયન દેશોના દૈનિક મૃત્યુના રેકોર્ડનું વિશ્લેષણ કરીને અંદાજ લગાવ્યો કે 2022 અને 2024ના ઉનાળા દરમિયાન ગરમીના કારણે કુલ 1.81 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.
માત્ર 2024ના ઉનાળામાં મૃત્યુદર ગયા વર્ષની સરખામણીમાં 23% વધ્યો. જોકે, આ આંકડો 2022માં નોંધાયેલા 67,900 મૃત્યુ કરતાં થોડો ઓછો હતો. યુરોપિયન યુનિયનની કોપરનિકસ ક્લાઈમેટ ચેન્જ સર્વિસ અનુસાર, 2024નો ઉનાળો યુરોપના ઇતિહાસનો સૌથી ગરમ ઉનાળો રહ્યો છે.
અંદાજ છે કે કુલ મૃત્યુમાંથી બે તૃતીયાંશ મૃત્યુ દક્ષિણ યુરોપમાં થયા છે. ઇટાલી સૌથી વધુ પ્રભાવિત દેશ રહ્યો, કારણ કે અહીં વૃદ્ધોની સંખ્યા વધુ છે અને સતત ત્રણ વર્ષ સુધી તાપમાન ખૂબ ઊંચું રહ્યું. જોકે, 2025નો આ અભ્યાસમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.
યુરોપિયન એન્વાયરમેન્ટ એજન્સીના અધિકારી જેરાર્ડો સાંચેઝે કહ્યું કે ગરમીથી થતા મૃત્યુના આંકડાને જોતા, આપણે લાંબા ગાળાના રોકાણની જરૂર છે. ઇમારતોને વધુ સારી બનાવવી જોઈએ. કૂલિંગ સિસ્ટમને બધા માટે ઉપલબ્ધ કરાવવી જોઈએ. તેઓ WHOની હીટ હેલ્થ ગાઈડલાઈન્સને અપડેટ કરનાર ટીમનો એક ભાગ છે.