Ahmedabad, તા.17
અમદાવાદ શહેરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. અચાનક આવેલા આ ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના પગલે જનજીવન પ્રભાવિત થયું હતું.
ગાજવીજ સાથે વરસેલા ધોધમાર વરસાદના કારણે અમદાવાદ શહેરના કેટલાક અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા, જેથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક મુખ્ય રસ્તાઓ પણ પાણી પાણી થઈ ગયા હતા. મોટાભાગના મુખ્ય રોડ અને ચાર રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
પાણી ભરાયેલા રસ્તા પર વાહન ચલાવનારાઓના વાહનો પણ ખોટકાયા હતા, જેને કારણે ટ્રાફિકની સમસ્યા વધુ વકરી હતી. કેટલીક જગ્યાએ સ્થાનિકોએ સ્વયંભૂ રીતે ગટરના ઢાંકણા પણ મહામહેનતે ખોલી નાખ્યા હતા.
જેથી રસ્તા પર ભરાયેલું પાણી ઝડપથી વહી જાય અને લોકોને રાહત મળે. ઘી કાંટા નજીક પોળ પાસે એક યુવકનું કરંટ લાગવાના કારણે મૃત્યુ થયું છે. ઈલેક્ટ્રિક થાંભલાનો વાયર ખુલ્લો હોવાના કારણે કરંટ લાગ્યો હતો.