Upleta,તા.19
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે અનેક નદી-નાળાઓ ભરાયા છે, ત્યારે રાજકોટમાં ઉપલેટાના મોજ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થતા ડેમના 3 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત આસપાસના ગામડાઓને ઍલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.
રાજકોટના ઉપલેટા તાલુકાના મોજીરા ગામ પાસે આવેલ મોજ ડેમ રૂરલ લેવલ મુજબ 100% ભરાઈ જતા રાત્રિ દરમિયાન ડેમ 3 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા હતા. જેને લઈને ઉપલેટા તાલુકાના મોજીરા, ખાખીજાળિયા, ઉપલેટા, ગઢાળા, નવાપરા, સેવંત્રા, કેરાળા અને વાડલા સહિતના હેઠવાસના ગામોને ઍલર્ટ કરાયા છે. નોંધનીય છે કે, અત્યાર સુધીમાં મોજ ડેમમાં 3174 ક્યુસેક પાણીની આવક થઈ છે. આ ઉપરાંત જો ઉપરવાસમાંથી પાણીની આવક થશે તો વધુ દરવાજા ખોલવામાં આવશે.
જૂનાગઢના માળીયા હાટીનાનો ડેમ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદને કારણે લાછડી નાની સિંચાઈ ડેમ પણ છલકાયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે.
હવામાન વિભાગે આજે (19મી ઓગસ્ટ) જૂનાગઢ જિલ્લા માટે વરસાદનું ‘રેડ ઍલર્ટ’ જાહેર કર્યું છે. આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે, જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સક્રિય થયેલી ચાર વરસાદી સિસ્ટમોને કારણે આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.