Rajkot,તા.4
મેઘરાજાએ ગઈકાલે સૌરાષ્ટ્રમાં ધીમીધારે સાર્વત્રિક હેત વરસાવ્યું હતું.જોડીયામાં ચાર, લાલપુરમાં 3.5, જામકંડોરણામાં 4.5 અને રાજકોટમાં 4 ઇંચ વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. જામકંડોરણામાં સ્થાનિક નદીઓમાં પૂર આવ્યું હતું. સોરઠમાં દિવસભર ધીમીધારે હેત વરસાવતા સાર્વત્રિક બે ઇંચ તેમજ ગિરનાર પર્વતમાળામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. ભાવનગર પંથકમાં પણ આજે ધીમીધારે વરસાદ વરસ્યો હતો.જેથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.
જામનગર શહેર સહિત જિલ્લાભરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે બપોર બાદ મેઘરાજાની ધમાકેદાર પુન: પધરામણી થઈ હતી.જેમાં જોડીયામાં મુશળધાર ચાર ઈંચ વરસાદ બાદ લાલપુરમાં બપોરે વિજળીના કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદે લગભગ સાડા ત્રણ કલાકમાં જ સાડા ત્રણ ઇંચ પાણી ઠાલવી દિધુ હતુ.જે દરમિયાન આકાશી આફત પણ વરસતા સેવકધુણિયા પંથકમાં ચાર શ્રમિકો પણ વિજળી ત્રાટકતા પરપ્રાંતિય બે યુવાનોના કમકમાટીભર્યા મૃત્યુ નિપજયા હતા.જયારે અન્ય બે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે જામનગર રીફર કરાયા હતા.જામનગરમાં એક, જામજોધપુર અને કાલાવડમાં અઢી ઇંચ વરસાદ સુધીમાં વરસી ગયો હતો.
જામનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે જોડીયામાં સવારે મેઘરાજાએ તોફાની આગમન કરતા બપોર સુધીમાં ચાર ઇંચ જેટલુ પાણી વરસાવી દીધું હતું.જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
જામનગર શહેરમાં બપોરે ઝરમર ઝાપટા બાદ વરસાદે જોર પકડયુ હતુ.જેના પગલે સાંજે એકાદ કલાકમાં જ એક ઈંચ જેટલુ પાણી વરસાવી દિધુ હતુ.જેથી રાબેતામુજબ અમુક નીચાણાવા માર્ગો પાણી પાણી થયા હતા.લાલપુરમાં બપોરે વિજળીના કડાકા ભડાકા અને ગાજવિજ સાથે વરસાદ શરૂ થયો હતો.જેના પગલે સાંજ સુધી સાડા ત્રણેક કલાકમાં સાડા ત્રણ ઇંચથી વધુ પાણી વરસી ગયુ હતુ.
વરસાદના કારણે ઢાંઢર નદીમાં પાણીની ધીંગી આવક થતા છલોછલ નીર વહ્યા હતા. સેવકધુણિયા પંથકમાં બપોરે વાડી વિસ્તારમાં ચાર પરપ્રાંતિય શ્રમિકો પણ વીજળી ત્રાટકી હતી જેમાં મુળ મધ્યપ્રદેશના વતની અને ખેત મજુરી કરતા કરન ધ્યાનસિંગ ડાવર(ઉ.વ. 30) અને ભુરસિંગ રાસ્કલે(ઉ.વ. 44) નામના બે શ્રમિકોના કમકમાટીભર્યા મૃત્યુ નિપજયા હતા. જયારે અન્ય બે ઇજાગ્રસ્ત શ્રમિકોને સારવાર અર્થે જામનગરની હોસ્પીટલમાં રીફર કરાયા હોવાનુ સુત્રોએ જણાવ્યુ છે.
જામનગર જિલ્લાના કાલાવડ અને જામજોધપુરમાં મોડી સાંજસુધીમાં અઢી ઇંચથી વધુ વરસાદ નોધાયો હતો.જયારે ધ્રોલમાં મોડીસાંજ સુધીમાં હળવા ભારે ઝાપટા સાથે ચાર મિમી વરસાદ જ થયો હતો.
જામનગર જિલ્લા કંટ્રોલરૂમમાથી મળતી માહિતી મુજબ મોસમ કુલ વરસાદ જામનગર માં 193 મિમી,જોડિયામાં 538 મિમી,ધ્રોલમાં 183 મિમી,કલાવડમાં 343 મિમી,લાલપુરમાં 244 મિમી અને જામજોધપુરમાં 337 મિમી વરસાદ નોંધાયો છે.
જામજોધપુરમાં ખરાવાડ બહુચરાજી મંદિર પાસે થોડા દિવસ પહેલા વરસાદના પાણી ભરાતા એક કાર ફસાઈ હતી જેમને આજુબાજુના રહીશો એ મહેનત કરી બહાર કાઢી હતી ફરી બે ઈંચ જેટલો વરસાદથી વોકરીમાં વાહનો ફસાયા હતા રહીશો દ્વારા તંત્રને લેખીત રજુઆત છતા તંત્ર પગલા લેવામાં નિષ્ફળ નિવડયું છે શું તંત્ર ભયંકર અકસ્માતની રાહ જોઈ રહ્યું છે તેવો આક્ષેપ જામ જોધપુર શહેર કોંગ્રેસ પ્રમુખ જમનભાઈ કંટારીયાએ કરેલ છે. પાણીમાં ફસાયેલ વાહનને જે.સી.બી દ્વારા બહાર કઢાયા હતાં.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસ વરસાદની ગતિ ધીમી રહ્યા બાદ ગઈકાલે ગુરુવારે સવારથી જુદા જુદા વિસ્તારોમાં સમયાંતરે હળવા તેમજ ભારે
ઝાપટાનો દૌર જારી રહ્યો હતો. જેમાં ગુરુવારે આખો દિવસ ભાણવડ તાલુકામાં મેઘ મહેર વરસતા બે ઈંચ (52 મી.મી.) પાણી પડી ગયું હતું.
તે જ રીતે ખંભાળિયામાં પણ દિવસ દરમિયાન 13 મી.મી. વરસાદ નોંધાયો છે. જોકે ખંભાળિયા તાલુકાના કોટા, જે.પી. દેવળીયા સહિતના કેટલાક ગામોમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવેલા જોવા મળ્યા હતા.આ સાથે કલ્યાણપુર તાલુકામાં 3 મી.મી. પાણી વરસી ગયું હતું.
ગઈકાલે દિવસ દરમિયાન ખંભાળિયામાં અવારનવાર વીજ પુરવઠો ખોવાઈ જતા લોકો ત્રાસી ગયા હતા. આજે પણ દિવસ દરમિયાન વરસાદી વિરામ વચ્ચે થોડો સમય સૂર્યનારાયણના દર્શન પણ થયા હતા. આજે સવારે 10 વાગ્યા સુધીમાં કલ્યાણપુર તાલુકામાં 14 ઈંચ (348 મી.મી.), દ્વારકામાં 10 ઈંચ (254 મી.મી.), ભાણવડમાં સાડા નવ ઈંચ (241 મી.મી.) અને ખંભાળિયામાં સવા આઠ ઈંચ (214 મી.મી.) સાથે જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ સાડા 10 ઈંચ (264 મી.મી.) થવા પામ્યો છે.
સલાયામાં બે દિવસથી વરસાદે વીરામ લીધો હતો.વાદળો ઘેરાયેલા રહેતા હતા પણ બહુ વરસાદ વરસતો ન હતો.આજે સવારે પણ તડકો નીકળ્યો હતો પણ બપોર બાદ 4 વાગ્યાથી વાદળો ઘેરાયા હતા અને ધીમીધારે પોણો ઇંચ જેટલું પાણી વરસ્યું હતું.હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે પણ વરસાદ ધીમીધારે વરસી રહ્યો છે. ગરમીનું પ્રમાણ હાલ હજુ વધુ છે.હાલ સલાયામાં મોહરમ ના તહેવારો ચાલી રહ્યા છે. જેમાં ઠેર ઠેર ન્યાઝના કાર્યક્રમો થઈ રહ્યા છે.
ગોહિલવાડ પંથકમાં મેઘરાજા ધીમીધારે વરસી રહ્યા છે.ભાવનગર શહેરમાં સુધીમાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે જિલ્લાના ત્રણ તાલુકામાં એક ઇંચ વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ભાવનગર જિલ્લાના વલભીપુરમાં 25 મી.મી. ,ઉમરાળામાં 19 મી.મી. ,ભાવનગર શહેરમાં 19 મી.મી.,ઘોઘા 5 મી.મી. ,શિહોર 23મી.મી., પાલીતાણા 4 મી.મી. ,તળાજા 1મી.મી.અને મહુવામાં 25 મી.મી. વરસાદ નોંધાયો છે.