New Delhi,તા.6
દેશના ઉતર તથા ઉતરપુર્વિય ભાગોમાં ચોમાસુ સક્રીય છે અને બિહાર, ઉતરપ્રદેશ, હિમાચલપ્રદેશ, ઉતરાખંડ સહિત અનેક રાજયોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી સાથેની ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગના રિપોર્ટ મુજબ બિહાર, ઉતરપ્રદેશ, હિમાચલપ્રદેશ, ઉતરાખંડ તથા ઉતરપુર્વના રાજયોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને તેનાથી અનેક ભાગોમાં પુરની પરીસ્થિતિ સર્જાઈ શકે છે.
બિહાર હવામાન વિભાગે રાજયમાં આવતા પાંચ દિવસ ભારે વરસાદની ચેતવણી આપી છે. ચંપારણ, પોપાલગંજ, શિઓકર, સિવાન જેવા જીલ્લાઓને એલર્ટ રહેવા તાકીદ કરવામાં આવી છે.
આ દરમ્યાન કોચી મહાનંદા સહિતની નદીઓ ખતરાના લેવલને પાર કરી શકે છે અને પૂર સંકટ સર્જાઈ શકે છે. ઉતરપ્રદેશના ચિત્રકુટ, મિર્ઝાપુર સહિતના જીલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી છે.
હિમાચલ પ્રદેશ તથા ઉતરાખંડમાં વરસાદ ઉપરાંત ભૂસ્ખલનની પણ ચેતવણી છે. આસામ, મેઘાલય, સિકકીમ જેવા પુર્વોતર રાજયો માટે રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના રિપોર્ટ મુજબ ચોમાસુ ઉતરના માર્ગે હોવાથી ભારે વરસાદનુ જોખમ સર્જાયુ છે. બીજી તરફ મધ્યપ્રદેશના ગુના, શિવપુરી જેવા ભાગોમાં પૂરસંકટ સર્જાતા રાહત-બચાવ ટીમોને તૈનાત કરવામાં આવી છે.