Pennsylvania,તા.13
ડિસેમ્બર 12, 2020ના રોજ પેન્સિલવેનિયાના એક કન્વિનિયન્સ સ્ટોરમાં શૂટ કરી દેવાયેલા અશોક પટેલ નામના ગુજરાતીની ફેમિલીને 15.3 મિલિયન ડોલરનું વળતર ચૂકવવા માટે આદેશ કરાયો છે. 50 વર્ષના અશોક પટેલ જે સ્ટોરમાં કામ કરતા હતા ત્યાં ગેમિંગ મશીન ચાલતું હતું અને તેના કારણે જ સ્ટોરમાં રોબરી થઈ હોવાની કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી.
આ કેસમાં મૃતકની ફેમિલીએ સ્ટોરના ઓનર ઉપરાંત ગેમિંગ મશીન બનાવતી અને ડિસ્ટ્રિબ્યૂટ કરતી કંપનીઓ સામે પણ દાવો માંડ્યો હતો. જ્યુરી દ્વારા કરવામાં આવેલી સુનાવણી બાદ સોમવારે પેસ-ઓ-મેટિક એટલે કે POM અને માયલે મેન્યુફેક્ચરિંગ નામની બે કંપનીઓને મૃતકની ફેમિલીને વળતર ચૂકવવા આદેશ કરાયો હતો. આ કંપનીઓ ગેમિંગ મશીનના સોફ્ટવેર ડેવલપર અને ગેમિંગ મેન્યુફેક્ચરિંગ તેમજ ડિસ્ટ્રિબ્યૂશન સાથે સંકળાયેલી છે.
પેન્સિલવેનિયાના હેઝલ્ટનમાં ક્રેગ્સ ફૂડ માર્ટ નામના એક સ્ટોરમાં મૃતક અશોક પટેલ કામ કરતા હતા, તેમને જોબ શરૂ કર્યે માંડ અઠવાડિયું થયું હતું ત્યારે જ તેમને રોબરીના પ્રયાસમાં શૂટ કરી દેવાયા હતા.
અશોક પટેલને માથામાં ગોળી મારનારા હત્યારાની ઓળખ જેફેટ દે જિસસ રોડ્રિગેઝ તરીકે કરવામાં આવી હતી જેણે 14 હજાર ડોલરની રોબરી કરવા માટે મૃતકને શૂટ કર્યા હતા.

