જીવલેણ અકસ્માતમાં સૌથી વધુ ટુ-વ્હીલર ચાલકોના મોત નીપજતા હોય રાજ્ય પોલીસવડા દ્વારા હેલ્મેટની ફરજીયાત અમલવારી કરાવવા આદેશ
સોમવારે સવારથી જ પોલીસ મેદાને આવી જશે : ટુ-વ્હીલર ચાલક અને મુસાફર બંનેએ ફરજીયાત હેલ્મેટ પહેરવું પડશે નહીંતર દંડ ફટકારાશે
Rajkot,તા.07
આગામી તા.08 સપ્ટેમ્બરના રોજથી ટુ-વ્હીલર ચાલકો અને પાછળ બેસનાર મુસાફરોએ ફરજીયાત હેલ્મેટ પહેરવું પડશે. જેનું પાલન નહિ કરનાર વિરુદ્ધ પોલીસ દંડ સહિતના પગલાં લેશે. જો કે, હાલ શહેરી વિસ્તારમાં ફરજીયાત હેલ્મેટની અમલવારી સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે તેની વચ્ચે સોમવારથી પોલીસ હેલ્મેટની ફરજીયાત અમલવારી કરાવવા મેદાને આવનાર છે.
પ્રાપ્ત વિગત અનુસાર રાજ્યામાં જીવલેણ અકસ્માતનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ત્યારે ટૂ વ્હિલરમાં હેલ્મેટ ફરજિયાત કરવા રાજ્યના પોલીસવડા દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. જેને પગલે રાજકોટ સહિતના શહેરોમાં 8 સપ્ટેમ્બરથી ટૂ વ્હિલરચાલક અને પાછળ બેસનાર વ્યક્તિ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવશે. નિયમનો ભંગ કરનાર સામે સ્થળ પર જ દંડ વસૂલવામાં આવશે.
રાજકોટમાં પોલીસ કમિશ્નરની અધ્યક્ષતામાં શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ટ્રાફિક સિગ્નલ, હેલ્મેટ, આર.ટી.ઓ.-પોલીસની ડ્રાઇવ સહિતને લઈને ચર્ચા કરાઈ હતી. રાજકોટ શહેર પોલીસે આગામી 8 સપ્ટેમ્બરથી બાઇકચાલક અને પાછળ બેસનારે હેલ્મેટ ફરજિયાત પહેરવાને લઈને નિર્ણય કર્યો હતો.
રાજકોટ ટ્રાફિક પોલીસે બાઇકચાલક અને પાછળ બેસનારે ફરજિયાત હેલ્મેટ પહેરવાને લઈને પ્રેસ રિલીઝ જાહેર કરી હતી. પોલીસ કમિશ્નરે તહેવારના દિવસો પૂર્ણ થયા બાદ શહેરમાં હેલ્મેટને લઈને મેગા ડ્રાઇવ શરુ કરવાનો આદેશ કર્યો હતો. જેથી હવે સોમવારથી હેલ્મેટની ફરજીયાત અમલવારી કરાવવા પોલીસ મેદાને આવનાર છે. અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, યુવા વકીલોની ટીમ, કોંગ્રેસ સહીત દ્વારા હેલ્મેટની ફરજીયાત અમલવારી સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.