Mumbai,તા.01
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના નિધનને એક સપ્તાહ વીતી ગયો છે અને સિનેમા જગત આ મોટી ખોટથી દુઃખી છે. તેમના ચાહકોએ વાતથી દુઃખી છે કે, અભિનેતાના અંતિમ સંસ્કાર ઉતાવળમાં કરવામાં આવ્યા, જેના કારણે તેમને છેલ્લી વિદાય આપવાનો મોકો ન મળ્યો. આ મામલે, હવે ધર્મેન્દ્રનાં પત્ની અને અભિનેત્રી હેમા માલિનીએ યુએઈના ફિલ્મમેકર હમાદ અલ રેયામી સાથેની મુલાકાત દરમિયાન આનું કારણ જાહેર કર્યું છે. હમાદે હેમા માલિનીને મળીને આ મુલાકાત અંગે અરેબિક ભાષામાં એક અત્યંત ભાવનાત્મક પોસ્ટ પણ શેર કરી છે.
ફિલ્મમેકર હમાદ અલ રેયામીએ અરેબિક ભાષામાં હેમા માલિની સાથેનો ફોટો શેર કરીને લખ્યું, ‘શોકના ત્રીજા દિવસે હું સુપરસ્ટાર ધર્મેન્દ્રનાં પત્ની અને અભિનેત્રી હેમા માલિનીને મળવા ગયો. આ પહેલીવાર હતું જ્યારે હું તેમને રૂબરૂ મળ્યો, જોકે મેં તેમને પહેલા પણ ઘણી વખત દૂરથી જોયા હતા. પરંતુ આ વખતે કંઈક અલગ હતું. એક પીડાદાયક, હૃદય તોડી નાખે તેવો પ્રસંગ, એક એવું દુઃખ જે હું ગમે તેટલી કોશિશ કરું તો પણ લગભગ સમજની બહાર છે. હું તેમની સાથે બેઠો અને હું તેમના ચહેરા પર એક આંતરિક ઉથલપાથલ જોઈ શકતો હતો જેને તેઓ પૂરી રીતે છુપાવવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં.’
ઉતાવળમાં અંતિમ સંસ્કારનું કારણ
ઉતાવળમાં ધર્મેન્દ્રની અંત્યેષ્ટિ કરવાનું કારણ જણાવતા અભિનેત્રીએ કહ્યું કે, ‘મને દુઃખ અને અફસોસ છે કે ધરમજીના ચાહકોને તેમને છેલ્લી વાર જોવાનો મોકો ન મળ્યો. પરંતુ ધર્મેન્દ્ર જીવનભર નહોતા ઈચ્છતા કે કોઈ તેમને નબળી કે બીમાર હાલતમાં જુએ. તેમણે પોતાનું દર્દ નજીકના સગાં-સંબંધીઓથી પણ છુપાવ્યું હતું અને કોઈ વ્યક્તિના જવાથી, નિર્ણય પરિવારનો રહે છે. પરંતુ જે થયું તે ભગવાનની કૃપા હતી. કારણ કે, તમે ધર્મન્દ્રને તે હાલતમાં જોઈ ન શકતા. તેમના છેલ્લા દિવસોમાં તેમની હાલત ખૂબ જ ગંભીર અને પીડાદાયક હતી અને અમે પણ તેમને તે હાલતમાં જોઈને માંડ સહન કરી શકતા હતા. ઉતાવળમાં અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય પરિવારનો હતો, જેથી તેમની ગરિમા જળવાઈ રહે અને તેમની પીડાદાયક અંતિમ હાલત કોઈ જોઈ ન શકે.’

