Gaza,તા.૨૩
હિઝબુલ્લાહ સામે ઇઝરાયેલનું લશ્કરી અભિયાન સતત તીવ્ર બની રહ્યું છે. હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહ બાદ હવે ઈઝરાયેલે તેના સંભવિત અનુગામી હાશેમ સફીદ્દીનને મારી નાખ્યો છે. ઈઝરાયેલની સેનાએ સફીઉદ્દીનના મોતની પુષ્ટિ કરી છે. ઇઝરાયેલી સૈન્યનું કહેવું છે કે ત્રણ અઠવાડિયા પહેલા બેરૂતમાં હવાઈ હુમલામાં સફીદ્દીન માર્યો ગયો હતો. ઈઝરાયેલના નિવેદન પર હિઝબુલ્લાએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
હાશેમ સફીદ્દીન હિઝબુલ્લાહના સૌથી વરિષ્ઠ લશ્કરી-રાજકીય મંચ, શુરા કાઉન્સિલના સભ્ય હતા. સફીદ્દીન આતંકવાદી સંગઠનમાં નિર્ણય અને નીતિ ઘડતર માટે જવાબદાર હતો. હાશેમ હિઝબુલ્લાહના ભૂતપૂર્વ નેતા હસન નસરાલ્લાહનો પિતરાઈ ભાઈ હતો અને સંગઠનમાં તેનો નોંધપાત્ર પ્રભાવ હતો. તે હિઝબુલ્લાહની નાણાકીય અને વહીવટી બાબતો પર પણ દેખરેખ રાખતો હતો. સફીદ્દીનને નસરાલ્લાહના અનુગામી તરીકે જોવામાં આવી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે દાવો કર્યો છે કે દક્ષિણ લેબનોનમાં ચાલી રહેલા ગ્રાઉન્ડ ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં ૪૦૦ થી વધુ હિઝબુલ્લાના ઓપરેટિવ માર્યા ગયા છે. આ ઓપરેટિવ્સમાં ઘણા પ્રાદેશિક કમાન્ડરો પણ સામેલ છે. આ દરમિયાન ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના ઘર પર ડ્રોન હુમલાને લઈને મોટી માહિતી સામે આવી છે. આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના મુખ્ય પ્રવક્તા મોહમ્મદ અફીફે કહ્યું છે કે ગયા અઠવાડિયે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના નિવાસસ્થાનને નિશાન બનાવતા ડ્રોન હુમલા પાછળ તેમના જૂથનો હાથ છે.