Washington,તા.09
ChatGPT જેવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલનો ઉપયોગ કરવા માટે ઘણી એનર્જીનો ઉપયોગ થાય છે. કોઈ પણ AI મોડલ કાર્યરત રહે એ માટે પાણી અને વીજળીનો ઉપયોગ થાય છે. અમેરિકામાં હાલમાં જ એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. એ અનુસાર AIના એક સવાલ માટે અંદાજે અડધો લિટર પાણીનો ઉપયોગ થાય છે. આ રિપોર્ટ ખૂબ જ ચોંકાવનારો છે. દરેક AI અલગ-અલગ રીતે એનર્જી સોર્સનો ઉપયોગ કરે છે. જોકે ChatGPT પાણીનો પણ ઉપયોગ કરે છે.
ChatGPT માટે કેટલું પાણી જરૂરી છે?
વોશિંગટન પોસ્ટ અને યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા, રિવર્સાઇડના રિપોર્ટ અનુસાર ChatGPTને યુઝર જ્યારે સવાલ પૂછે છે ત્યારે એનો જવાબ આપવા માટે લગભગ 500 મિલીલિટર એટલે કે અડધો લિટર જેટલા પાણીનો ઉપયોગ થાય છે. આ પાણીનો ઉપયોગ મશીનને ઠંડા કરવા માટે કરવામાં આવે છે.
ChatGPTએ જ્યારે ઇમેજ જનરેશન ફીચર લોન્ચ કર્યું હતું ત્યારે દુનિયાભરના યુઝર્સ એની પાછળ ઘેલા થઈ ગયા હતા. આ સમયે કંપનીના ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ પર ખૂબ જ અસર પડી હતી અને એ ડેમેજ થઈ રહ્યા હતા કારણ કે વધુ ઉપયોગ થવાથી એ ગરમ થાય છે. આ ગરમ થતાં પ્રોસેસરને ઠંડા કરવા માટે પાણીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આથી ડેટા સેન્ટરને ઠંડું રાખવા માટે પાણી ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
ઠંડું રાખવા માટે બે પ્રકારની સિસ્ટમ હોય છે. એક એવાપોરેટિવ કૂલિંગ સિસ્ટમ અને બીજી એર કન્ડીશનિંગ યુનિટ. આ બન્ને સિસ્ટમ દ્વારા ડેટા સેન્ટરને ઠંડું રાખવામાં આવે છે અને એ કારણે પાણીનો ઉપયોગ થાય છે.પાણીનો ઉપયોગ ઠંડું રાખવા માટે થાય છે, પરંતુ એને ચલાવવા માટે વીજળીનો ઉપયોગ થાય છે. એક રિપોર્ટ અનુસાર ChatGPTનો ઉપયોગ જેટલો વધુ કરવામાં આવે છે એટલી જ એની વીજળીની ડિમાન્ડ વધતી જાય છે. કરોડો લોકો રોજ ChatGPTનો ઉપયોગ કરે તો એક શહેરને જોઈએ એટલી વીજળી ફક્ત ChatGPTના ડેટા સેન્ટરને જરૂરી પડે છે. આ કારણસર પર્યાવરણ પર ખૂબ જ અસર પડી શકે છે. ખાસ કરીને એવા દેશોમાં જ્યાં વીજળી માટે કોલસા અને અન્ય સોર્સનો ઉપયોગ કરવામાં આવે છે.AI દિવસે દિવસે ખૂબ જ પોપ્યુલર બની રહ્યું છે. ટૅક્નોલૉજી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. જોકે બીજી તરફ એ પર્યાવરણ માટે જોખમ પણ બની રહી છે. ઘણા એવા દેશો અને વિસ્તારો છે જ્યાં પાણીની સમસ્યા પહેલેથી છે અને ડેટા સેન્ટરોને કારણે ત્યાં આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે. ChatGPT જેવા દરેક આર્ટિફિશિયલ મોડલને સતત કાર્યરત રાખવા માટે હંમેશાં વીજળીની જરૂર પડે છે. આ વીજળી રિન્યુએબલ સોર્સમાંથી ન આવે તો પર્યાવરણમાં કાર્બનનું પ્રમાણ વધી શકે છે.કંપનીઓ આ માટે હવે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ વિશે વિચારી રહી છે. મેટા અને માઇક્રોસોફ્ટ દ્વારા એ વિશે કામગીરી શરુ પણ કરી દેવામાં આવી છે. આ સાથે જ અન્ય કંપનીઓ પણ એ રીતે વિચારી શકે છે. તેમ જ યુઝર્સ પણ વીજળીનો વધુ ઉપયોગ ન થાય એનું ધ્યાન રાખી શકે છે. આ માટે તેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલને નકામા સવાલો ન પૂછે તો વધુ યોગ્ય રહેશે. તેમ જ થેન્ક યુ અને સોરી કહેવું બંધ કરવામાં આવે તો એમાં ઘણો તફાવત જોવા મળી શકે છે. ChatGPTના CEO સેમ ઓલ્ટમેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વ્યક્તિની મશીન પ્રત્યેની વિનમ્રતા તેમને વધુ ખર્ચાળ બનાવી રહી છે.