New Delhi,તા.10
દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે એક કારમાં ભયાનક વિસ્ફોટ થતાં ભાગદોડ થઈ ગઈ છે. ભયંકર વિસ્ફોટ થતાં કારમાં ભીષણ આગ લાગી હતી. દિલ્હીમાં બ્લાસ્ટને લઈને આઠ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે ફાયર બિગ્રેડ અને પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. દિલ્હીમાં હાઇઍલર્ટ જાહેર કરી દેવાયું છે, ત્યારે બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાત, મુંબઈ અને યુપીમાં પણ ઍલર્ટ જાહેર કરાયું છે. જેમાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ગોઠવી દેવામાં આવી છે. દિલ્હીમાં કારમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર સહિતના મોટા શહેરોમાં પોલીસ ઍલર્ટ થઈ ગઈ છે. જેમાં અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ચેકિંગ હાથ ધરાશે. ભીડભાડવાળી જગ્યાએ પોલીસ તપાસ હાથ ધરશે.
દિલ્હીમાં કારમાં બ્લાસ્ટ બાદ મુંબઈ પોલીસ એક્ટિવ થઈ ગઈ છે. મુંબઈના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ અને બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જેમાં રેલવે સ્ટેશન, ધાર્મિક સ્થળો અને જાહેર જગ્યાએ પોલીસની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ ફાયર બ્રિગેડના વાહનો આગ પર કાબુ મેળવવાની કામગીરી કરી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે એક કારમાં ભયાનક વિસ્ફોટ થતાં ભાગદોડ મચી છે. વિસ્ફોટ બાદ દિલ્હીમાં હાઇઍલર્ટ જાહેર કરી દેવાયું છે. વિસ્ફોટ બાદ કારમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે આસપાસના અનેક વાહનો આગની લપેટમાં આવતાં બળીને ખાક થઈ ગયા છે. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં કાર, ટુ-વ્હીલર સહિત અનેક ગાડીઓ બળીને ખાક થઈ ગઈ છે.

