કોર્ટે એ મહિલા વકીલની વાત સાંભળવાનો ઈનકાર કર્યો અને સુનાવણી માટે આગળની તારીખ આપી દીધી
Ladakh, તા.૨૫
જમ્મુ-કાશ્મીર એન્ડ લદ્દાખ હાઈકોર્ટે તાજેતરમાં એક એવી મુસ્લિમ મહિલા વકીલની વાત સાંભળવાનો ઈનકાર કર્યો, જેનો સુનાવણી દરમિયાન ચહેરો ઢાંકેલો(નકાબ) હતો. જ્યારે જજે મહિલાને નકાબ હટાવીને ચહેરા દેખાડવા કહ્યું તો કથિત વકીલે ચહેરો દેખાડવાનો ઈનકાર કરી દીધો હતો. ત્યાર પછી જજે એ મામલાની સુનાવણી કરવાનો ઈનકાર કર્યો અને હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પાસેથી રિપોર્ટ માંગ્યો કે શું મહિલા વકીલને ચહેરો ઢાંકીને કોઈ મામલાની વકીલાત કરવાની મંજૂરી છે. કોર્ટે એ મહિલા વકીલની વાત સાંભળવાનો ઈનકાર કર્યો અને સુનાવણી માટે આગળની તારીખ આપી દીધી. રજિસ્ટ્રાર જનરલની રિપોર્ટની તપાસની કર્યા પછી હાઈકોર્ટના જસ્ટિસ મોક્ષ ખજરિયા કાઝમીએ ૧૩મી ડિસેમ્બરે પોતાના આદેશમાં કહ્યું કે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા(બીસીઆઈ) દ્વારા નક્કી કરાયેલા નિયમોમાંથી કોઈમાં પણ એવા અધિકારનો ઉલ્લેખ નથી, જે અંતર્ગત કોઈ પણ મહિલા ચહેરા પર નકાબ લગાવી(ઢાંકીને) કે બુરખો પહેરીને કોર્ટમાં વકીલાત કરી શકે. રજિસ્ટ્રાર જનરલ કહ્યું કે તમામ વકીલોએ એક ચોક્કસ પોશાકમાં કોર્ટ રૂમમાં હાજર થવું એવો નિયમ છે. જોકે, પાછળથી એક અન્ય વકીલ કાદરીના બદલે અરજીકર્તાની વકીલાત કરવા રજૂ થયા, પરંતુ કોર્ટે આગળની તારીખ આપી દીધી.