Rajkot,તા.14
રાજકોટમાં 13 વર્ષીય સગીરા પર બે કિશોરો દ્વારા 6-7 વાર દુષ્કર્મ આચર્યા બાદ સગીરા ગર્ભવતી બની હતી. આ મામલે ગુજરાત હાઈકોર્ટે સગીરાને 33 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે મંજૂરી આપી છે. મંગળવારે (13 મે) સગીરાને પોલીસ પ્રોટેક્શન સાથે રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. કિશોરીના પરિવારજનો સાથે 4-5 નિષ્ણાંત તબીબો દ્વારા બુધવારે (14 મે) તબીબી તપાસ અને માતા-પિતાની મંજૂરી બાદ ગર્ભપાતની પ્રક્રિયા હાથ ધરાશે.
જોકે, ગર્ભપાતની પ્રક્રિયા પહેલાં વાલીઓને ગર્ભપાતના જોખમના તમામ પાસાની જાણકારી આપવામાં આવશે. ત્યારબાદ વાલીની લેખિતમાં સહી મેળવ્યા બાદ ગર્ભપાતની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. હાઈકોર્ટના હુકમ અનુસાર તબીબોએ વાલી સમજી શકે તે ભાષામાં તમામ જોખમની જાણકારી પૂરી પાડવાની રહેશે.
નોંધનીય છે કે, આ ગર્ભપાત તબીબો માટે પણ પડકાર સાબિત થઈ શકે છે. કારણ કે, 32 સપ્તાહ બાદ ગર્ભમાં રહેલું બાળક જીવી શકે તેવું માનવામાં આવે છે. આ કેસમાં સગીરાને 33 સપ્તાહનો ગર્ભ છે અને તેનો વજન પણ લગભગ 1.99 કિલો છે. જેથી આ કેસમાં ગર્ભપાત કરવું તબીબો માટે પડકારરૂપ છે.
રાજકોટમાં 29 એપ્રિલે 13 વર્ષીય સગીરા ગર્ભવતી હોવાનો મામલો સામે આવ્યો હતો. મહારાષ્ટ્રમાં નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદ બાદ રોજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઝીરો નંબરની FIR ટ્રાન્સફર કરવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં ફરવા ગયેલી કિશોરીને અચાનક પેટમાં દુખાવો ઉપડતા તેમના પરિવારજનો હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તબીબોએ સગીરા ગર્ભવતી હોવાનું જણાવ્યું હતું. બાદમાં માતાએ સગીરા સાથે પૂછપરછ કરતા જણાવા મળ્યું કે, પાડોશમાં રહેતા કિશોર અને તેના પિતરાઈ ભાઈએ છ થી સાત વખત દુષ્કર્મ આચર્યા હોવાનો ખુલાસો થયો હતો. બંને કિશોરો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બંને કિશોરોની ધરપકડ કરી તેમને બાળ અદાલતમાં રજૂ કરી રિમાન્ડ હોમ મોકલ્યા હતા. જોકે, બાદમાં બંનેને જામીન મળી ગયા હતા.