પાંચ વર્ષના ભૂલકાને અકસ્માત બાદ “પેરાપ્લેજીયા” નામની અસાધ્ય બીમારી લાગુ પડી હતી
Morbi,તા.27
મેટાડોરે હડફેટે લઈ ગંભીર ઇજા પહોંચાડ્યાના 18 વર્ષ પહેલાના કિસ્સામાં ભૂલકાને “પેરાપ્લેજીયા” નામની અસાધ્ય બીમારી લાગુ પડી ગયા બાબતેના ક્લેઇમ કેસમાં મોટર એકસીડન્ટ ક્લેઇમ ટ્રિબ્યુનલના રૂપિયા 5.07 લાખ વળતરના હુકમ સામેની અપીલમાં હાઇકોર્ટે રૂ. ૩૦.૭૩ લાખનું વળતર વ્યાજ સહિત ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ, ગઇ તા. ૨૯. ૭. ૨૦૦૭ના રોજ મોરબી શહેરમાં પાંચ વર્ષનો બાળક જય અરવિંદ નવેરા પોતાની દાદી સાથે રસ્તો ક્રોસ કરી રહયો હતો, ત્યારે મેટાડોર નં. જી.જે. ૩. વાય. ૯૧૧૪એ બાળકને હડફેટે લેતા, ગંભીર પ્રકારની ઈજાને કારણે બાળકને ‘પેરાપ્લેજીયા’ (જેમાં શરીરમાં કમરની નીચેના અવ્યવોને ગંભીર નુકસાન થયું હોય છે) બીમારી લાગુ પડી જતાં આથી બાળક વતી એડવોકેટ એ. ટી. જાડેજા મારફત મોટર એક્સિડેન્ટ કલેઈમ ટ્રિબ્યુનલ, મોરબીમાં વળતર અરજી દાખલ કરાતા, ટ્રિબ્યુનલે અરજદારને રૂા.૫.૦૭ લાખ વળતર ૭.૫ % ના વ્યાજ સાથે રૂા.૫૦ હજાર મંજૂર કરેલ, જેમાં અરજદારની માસિક નોશ્નલ આવક માત્ર રૂા. ૧,૫૦૦ કન્સીડર કરી હતી.ટ્રિબ્યુનલના આ ચુકાદાથી નારાજ થઈ બાળક જય અને તેના વાલી વતી હાઈકોર્ટ સમક્ષ ફર્સ્ટ અપીલ દાખલ કરેલી. સદરહુ અપીલની સુનાવણીમાં વકીલ પંકજ દેસાઇની રજૂઆત બાદ હાઇકોર્ટે બાળકની નોશ્નલ આવક મિનિમમ વેજીસ એકટ-૧૯૪૮ મુજબ રૂ. ૨૦૦૭ અને કુશળ કામદારને જે પગાર ચુકવવામાં આવે તે મુજબ અરજદારની માસીક આવક રૂા.૨,૮૦૦/- કરી ભવિષ્યની પ્રોસ્પેકટીવ આવક અને લાઈફ ટાઈમ એટેન્ડન્ટ (કેર ટેકર)ની રકમ તથા ફયુચર મેડીકલ ખર્ચની રકમ, અરજદાર ભવિષ્યમાં લગ્ન નહી કરી શકે, તે કારણસર લોસ ઓફ મેરેજ પ્રોસ્પેકટની રકમ વગેરે ધ્યાને લઇ હાઇકોર્ટ દ્વારા ફર્સ્ટ અપીલમાં વળતરની કુલ રકમ રૂા.૩૦.૭૩ લાખ મંજુર કરેલ અને ચુકવાય ગયેલ રકમ રૂા.૫.૦૭ લાખ બાદ કરતા અરજદારને વળતરની વધારાની રકમ કુલ રૂા. ૨૫.૬૫ લાખ ૭.૫ % વ્યાજ સાથેમોટર એક્સીડેન્ટ કલેઈમ ટ્રિબ્યુનલ, મોરબીમાં જમા કરવાનો વીમા કંપની, ઘી ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની, રાજકોટ સામે હુકમ કર્યો છે. ફર્સ્ટ અપીલમાં અરજદાર વતી સિનિયર એડવોકેટ પી.આર. દેસાઈ, હેમલ નવીનભાઈ શાહ અને મોટર એક્સિડેન્ટ કલેઈમ ટ્રિબ્યુનલ મોરબી સમક્ષ એ.ટી.જાડેજા રોકાયા હતા.