Ahmedabad, તા.19
સુરતની લાજપોર જેલ ખાતે દુષ્કર્મ કેસમાં જન્મટીપની સજા ભોગવી રહેલા નારાયણ સાંઇએ તેમની 82 વર્ષીય પોતાની બિમાર માતાને મળવા માટે જસ્ટિસ ઇલેશ વોરા અને જસ્ટિસ પી.એમ.રાવલની ખંડપીઠે પાંચ દિવસના શરતી જામીન આપ્યા હતા.
કેસની સુનાવણીમાં અંતે હાઇકોર્ટે તાકીદ કરી હતી કે જામીન દરમ્યાન નારાયણ સાંઇ તેના પોતાના કે તેમના પિતા આસારામના અનુયાયીઓને મળી શકશે નહી.
હાઇકોર્ટે એ પણ શરત રાખી હતી કે, નારાયણ સાંઇ જામીન દરમ્યાન તેની માતાના ઘેર જ રોકાઇ શકશે. જામીનની મુદત પૂરી થયા બાદ તરત જ જેલમા સરન્ડર કરવાનું રહેશે.
સુરત સેશન્સ કોર્ટે દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઇને દોષિત ઠરાવી જન્મટીપની આકરી સજા ફટકારી હતી. તે ડિસેમ્બર-2013થી સુરતની લાજપોર જેલમાં બંધ છે. અગાઉ હાઇકોર્ટે જૂન મહિનામાં નારાયણ સાંઇને તેના પિતા આસારામની નાદુરસ્ત તબિયતના ખબર અંતર પૂછવા અને પિતાને મળવા માટે પાંચ દિવસના હંગામી જામીન આપ્યા હતા.
નારાયણ સાંઇએ પોતાની બિમાર માતાને મળવા 45 દિવસના હંગામી જામીન માંગ્યા હતા અને જણાવ્યું હતું કે, તેની માતા કાર્ડિયાક અરેસ્ટથી પીડિત છે એને ગમે ત્યારે હાર્ટ એટેકની દહેશત છે. જો કે, જસ્ટિસ ઇલેશ વોરા અને જસ્ટિસ પી.એમ.રાવલની ખંડપીઠે નારાયણ સાંઇને 45 દિવસના હંગામી જામીન આપવાની સાફ ના પાડી દીધી હતી.
જેથી નારાયણ સાંઇના વકીલે છેલ્લે 25 દિવસના જામીન આપવા વિનંતી કરી હતી. જો કે, હાઇકોર્ટે તેની પણ ધરાર ના પાડી દીધી હતી. ભારે વિનંતીઓ અને અનુરોધ બાદ આખરે હાઇકોર્ટે નારાયણ સાઁઇના પાંચ દિવસના શરતી જામીન મંજૂર કર્યા હતા.