Jamnagar તા.13
જામનગરના શ્રાવણી મેળાના આયોજનને કારણે ટ્રાફીક સમસ્યાના સર્જનના મુદ્દે દિવસોથી મંડાયેલા કાનુની જંગમાં જોરદાર કાનુની વણાંક આવ્યો છે. મ્યુ. કોર્પોરેશન તરફે મેળા યોજવા મુદ્દે ’સેસન્સ કોર્ટના વચગાળાના આદેશ સામે હાઈકોર્ટમાં દાદ માંગવામાં આવતા હાઈકોર્ટએ જામનગરની સ્થાનિક કોર્ટની તમામ પ્રક્રિયાઓને સ્ટે કરતો હુકમ કર્યાની સેસન્સ કોર્ટમાં કોર્પોરેશન તરફેના વકીલે લેખિત-મૌખિક જાણ કરી હતી.
પરંતુ સ્થાનિક સેસન્સ કોર્ટની સાંજે 4:30 પછીની સુનાવણી વખતે હાઈકોર્ટ ઓર્ડર અપલોડ થયો ન હોવાથી આજે ઓર્ડર માટે સેસન્સ અદાલતમાં આ મુદ્દે સુનાવણી યોજાઈ છે. મહાનગર પાલિકા તરફથી હાઇકોર્ટમાં હુકમ આવ્યાની જાણ થતાં મેળાના રોકાણકારો એવા ધંધાર્થીઓને રાહતની લાગણી થઈ હતી.
કોર્પોરેશન દ્વારા તા.17જુલાઈની સ્ટેન્ડિંગ કમિટીમાં ચેર ઉપરથી ઠરાવ કરીને તા.10 ઓગસ્ટથી 24 ઓગસ્ટ (શ્રાવણ વદ-1 થી ભાદરવા સુદ-1) સુધી 15 દિવસના મેળા પ્રદર્શન મેદાનમાં યોજવાની જાહેરાત બાદ નાગરિક કલ્પેશભાઈ આશાણીએ મેળાના દિવસોમાં પ્રદર્શન મેદાનમાં હંગામી એસટી ડેપો પણ હોવાથી ઈમર્જન્સી વાહનો, રેસ્ક્યુ કામગીરીમાં અન્યત્ર જતા વાહનો, સામાન્ય ટ્રાફીકની હાલાકીના મુદ્દે મ્યુ. તંત્રને મેળાનું આયોજન રદ કરવા નોટીસ આપીને બાદમાં અદાલતમાં મેળા સામે મનાઈ હુકમની માંગણી સાથે દાવો દાખલ કર્યો હતો.
સીવીલ કોર્ટએ આ દાવો અને સ્ટેની માંગણી રદ કરતા કરેલા હુકમ સામે નાગરિકે સેસન્સ અદાલતમાં અપીલ કરતા સેસન્સ અદાલતે ગત દિવસોમાં મેળા ચાલુ કરવા સામે હંગામી સ્ટે આપીને નીચલી અદાલતમાં મેટર પુન: ચલાવવા આદેશ કર્યા બાદ નીચલી અદાલતે તા.11મીએ ફરી સ્ટેની માંગણી કાઢી નાંખતો હુકમ કર્યો હતો.
જે સામે નાગરિકે સેસન્સ અદાલતમાં અપીલ દાખલ કરી હતી. જેની સુનાવણીમાં આયોજક મ્યુ. કોર્પોરેશન તેમજ મેયર, ડે.મેયર, ચેરમેન તરફે પક્ષે વકીલો પરેશભાઈ અનડકટ, વિરલ રાચ્છ, બિમલભાઈ ચોટાઈ. હેમલભાઈ ચોટાઈ, નિલ ચોટાઈ, સુમિત સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. વકીલોએ જણાવ્યું હતું કે, હાઈકોર્ટના આદેશની કોર્ટમાં પેશકશ બાદ મેળાના આયોજન સામે હાલ પુરતી અનિશ્વિતતાઓ દુર થઈ છે.