Ahmedabad,તા.19
ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં એક સુઓ મોટુ જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરતાં રાજ્યના ગૃહ વિભાગની ઝડપી પ્રતિભાવ ન આપવા બદલ આકરી ટીકા કરી છે. હાઈકોર્ટે રાજ્યમાં ટ્રાફિક પોલીસ ફોર્સ વધારવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
ચીફ જસ્ટિસ શ્રીમતી જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની ખંડપીઠે ગૃહ વિભાગના મુખ્ય સચિવ દ્વારા રજૂ કરાયેલા સોગંદનામાને અસંતોષકારક ગણાવીને તાત્કાલિક પગલાં લેવાનો આદેશ આપ્યો છે.
ગૃહ વિભાગના મુખ્ય સચિવે કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું, જેમાં ટ્રાફિકના વધતા પ્રમાણ અને વસ્તી ગીચતા જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને વધારાની જગ્યાઓનું આકલન કરવા માટે ઈ-ટેન્ડરિંગ દ્વારા નિષ્ણાત એજન્સીની નિમણૂક કરવાની યોજના રજૂ કરી હતી.
જોકે, કોર્ટે આ યોજનાને નકારી કાઢી હતી. કોર્ટે અવલોકન કર્યું કે નિષ્ણાત એજન્સી દ્વારા આ અભ્યાસ પૂર્ણ કરવામાં ત્રણથી પાંચ વર્ષ જેટલો સમય લાગી શકે છે, અને રાજ્ય આ “તાત્કાલિક જરૂરિયાત” માટે આટલો લાંબો સમય રાહ જોઈ શકે તેમ નથી.
કોર્ટે જ્યુડિશિયલ નોટિસ લેતા કહ્યું કે રાજ્યમાં વાહનોની સંખ્યામાં થયેલા વ્યાપક વધારાને કારણે ટ્રાફિક વ્યવસ્થા પર મોટો બોજ પડ્યો છે. ખંડપીઠે વધુમાં નોંધ્યું કે, ગૃહ વિભાગ દ્વારા ફોર્સને મજબૂત કરવા માટે તાજેતરમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી હોવાની “બિલકુલ કોઈ જાણકારી” જાહેર કરવામાં આવી નથી. એટલું જ નહીં, હાલમાં મંજૂર કરાયેલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા પણ અગાઉની ઙઈંકમાં કોર્ટના હસ્તક્ષેપ પછી જ શરૂ થઈ હતી.
તાત્કાલિક ‘સ્ટોપ ગેપ’ વ્યવસ્થાનો આદેશ
મુખ્ય સચિવના જવાબથી નારાજ થઈને, કોર્ટે કડક નિર્દેશ આપ્યો છે કે, ગૃહ વિભાગના મુખ્ય સચિવે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવી અને ‘સ્ટોપ ગેપ એરેન્જમેન્ટ’ (અસ્થાયી વ્યવસ્થા) પર નિર્ણય લેવો. આ વચગાળાના ઉકેલ માટે ટ્રાફિક પોલીસ ફોર્સને મજબૂત કરવા માટે નીચેનામાંથી કોઈ એક વ્યવસ્થા કરવીઃ
” કાયમી જગ્યાઓનું નિર્માણ કરવું, અથવા ” જરૂરી તાલીમ આપ્યા બાદ કરાર આધારિત માનવબળની નિમણૂક કરવી.
હાઈકોર્ટે મુખ્ય સચિવને આ આદેશના પાલનની વિગતો આપતો વ્યક્તિગત સોગંદનામું આગામી સુનાવણીની તારીખ 12 ડિસેમ્બર, 2025 ના રોજ રજૂ કરવા આદેશ કર્યો છે.

