Ambaji,તા.1
અંબાજી વિકાસ અને પ્રવાસન સત્તા નિયંત્રણ મંડળ ની બેવડી નીતિ વિકાસ ના નામે દબાણો અડધી રાતે હટે અને બિલ્ડરો ના ગેર કાયદેસર બાંધકામ માટે અરજદારો પૂરાવા સાથે રજૂઆત કરે તો પણ ગેર કાયદેસર બાંધકામો ને સરક્ષણ આપવાનું અને અરજદાર ને ગેર કાયદેસર બાંધકામો માટે નામદાર હાઈકોર્ટે જવું પડે તેવી બેધારી નીતિનો કિસ્સો બહાર આવતા ગુજરાત હાઈકોર્ટે એક આદેશ મારફતે અંબાજીના મુખ્ય કાર્યકારી અધિકારી, અંબાજી વિસ્તાર શહેરી વિકાસ સત્તામંડળ, અંબાજીને કથિત ગેરકાયદેસર બાંધકામનું નિરીક્ષણ કરવા અને અહેવાલ તૈયાર કરવા આદેશ આપવામાં આવ્યો છે.
અદાલતના આદેશમાં નોંધવામાં આવ્યું હતું કે પ્રતિવાદી નં. 1 અને 2 કે જેઓ બિલ્ડર છે તેમના દ્વારા વિકાસ પરવાનગી ઉપરવટ જઈને અનધિકૃત બાંધકામના આરોપો છે. આથી અરજદારોની હાજરીમાં અનધિકૃત બાંધકામના આરોપના સંદર્ભમાં નિરીક્ષણ અહેવાલ તૈયાર કરીને ઉપરોક્ત અહેવાલ આગામી સુનાવણીની તારીખે અથવા તે પહેલાં સોગંદનામું દાખલ કરીને રેકોર્ડ પર મૂકવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ મામલો 27.02.2025 સુધી મુલતવી રાખવામાં આવ્યો છે.
કેસની વિગતો મુજબ અંબાજી વિસ્તારમાં ભુપેન્દ્ર અગ્રવાલ અને શૈલેષ ખંડેેલવાલ નામના બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા હતા. તે બાબતે અરજદાર અમિતકુમાર પટેલ દ્વારા સ્થાનિક સત્તાવાળાઓને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તે બાબતે કોઈ પગલા નહીં લેવામાં આવતા અરજદાર દ્વારા હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી.
તેની સુનાવણી દરમિયાન અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે અંબાજીમાં ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે અન અધિકૃત બાંધકામોના નામે તાત્કાલિક બધું તોડી પાડવામાં આવે છે જ્યારે પ્રસ્તુત કેસમાં અનઅધિકૃત બાંધકામ અંગેના પુરાવા હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આથી વિકાસ પરવાનગી ની ઉપરવટે જઈને કરવામાં આવેલા બાંધકામો તાત્કાલિક રીતે તોડી પાડવા જોઈએ.
બીજી બાજુ લીડર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે તેઓએ ઇમ્પેક્ટ ફી ભરીને આ બાંધકામ નિયમિત કરવા માટે અરજી કરેલી છે આથી બાંધકામાલમાં તોડી શકાય નહીં. પરંતુ કોર્ટના ધ્યાનમાં લાવવામાં આવ્યું હતું કે ઇમ્પેક્ટ ફીનો કાયદો આ વિસ્તારમાં લાગુ પડતો નથી આથી બિલ્ડરને કોઈ રાહત આપી શકાય નહીં ઉપરોક્ત રજૂઆત બાદ કોર્ટે આદેશ કર્યો હતો.